Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

હાઇકોર્ટના કાર્યકારી પૂર્વ મુખ્ય ન્યાયધીશ અનંતકુમારનું નિધન

૧૯૮૪માં વકીલ બન્યાઃ સતત ઝગમગતી કારકિર્દીઃ ગોધરા કાંડમાં ૧૧ની ફાંસીની સજા આજીવન કેદમાં ફેરવી હતી

નવી દિલ્હી તા. પઃ ગુજરાત હાઇકોર્ટના ભૂતપૂર્વ કાર્યકારી મુખ્ય ન્યાયધીશ અનંતકુમાર સુરેન્દ્રરાય દવેનું નિધન થયું છે. નિવૃતિ પૂર્વે ન્યાયાધીશ અનંત દવેએ ગુજરાત હાઇકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપી હતી તે પહેલા મુખ્ય ન્યાયાધીશ વિક્રમ નાથે સુકાન સંભાળ્યું હતું.

ડીસેમ્બર ૧૯પ૭ માં તેમનો જન્મ થયો હતો. તેમજ ૧૯૮૪માં વકીલ તરીકે નોંધણી કરાવી તેમની કાયદાકીય પ્રથાના વર્ષો દરમ્યાન, તેમણે કેન્દ્ર સરકારના સ્થાયી સલાહકાર તરીકે અને રાજય સરકાર માટે એડિશનલ સર્વમેન્ટ પ્લેડર તરીકે પણ સેવા બજાવી હતી.

તેમણે ગુજરાત હાઇકોર્ટમાં સોલિસિટર તરીકે ગ્રાહક શિક્ષણ અને સંશોધન કેન્દ્ર, સરદાર સરોવર નિગમ લિમિટેડ, બીએસએનએલ, જીઇ બોર્ડ, જીએસઆઇસી અને ગુજરાત હાઇકોર્ટ લીગલ એઇડ સર્વિસીસના પેનલના કાયદાકીય સલાહકાર તરીકે કામ કર્યું છે.

અનંતકુમાર એસ. દવેની નિમણુંક હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે ર૦૦૪માં કરવામાં આવી હતી તેમનું પદ ર૦૦૬માં કાયમી કરવામાં આવ્યું હતું. તેમણે નોંધેલા કેસોમાં સાબરમતી એકસપ્રેસ/ગોધરા ટ્રેન બર્નિંગ કેસ હતો.

ન્યાયાધીશ દવેની અધ્યક્ષતાવાળી બેંચે ૧૧ દોષિતોને ફાંસીની સજાને આજીવન કેદની સજામાં ફેરવી. આ બેંચ દ્વારા ર૦ અન્ય લોકોને આપવામાં આવેલી આજીવન સજાને પણ સમર્થન આપવામાં આવ્યું હતું.

ન્યાયાધીશ અનંતકુમાર એસ. દવે નવેમ્બર ર૦૧૮માં કાર્યકારી ચીફ જસ્ટિસ તરીકે નિયુકત થયા હતા અને સપ્ટેમ્બર ર૦૧૯માં ચીફ જસ્ટિસ વિક્રમ નાથની નિમણુંક સુધી આ પદ સંભાળ્યું હતું.

(3:56 pm IST)