Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

‘આત્‍મનિર્ભર ભારત અને આત્‍મનિર્ભર ગુજરાત'નું સ્‍વપ્‍ન સાકાર કરવામાં રાજ્‍યને નાબાર્ડની સહાય મદદરૂપ બનશેઃ વિજયભાઇ રૂપાણી

નાબાર્ડના ચેરમેન શ્રી ચિંતાલા સાથે ગાંધીનગરમાં બેઠક યોજતા મુખ્‍યમંત્રીઃ નાણાંના અભાવે રાજ્‍યના વિકાસ કાર્યો અટક્‍યા નથીઃ દેશને પાંચ ટ્રિલીયન ડોલર ઇકોનોમી બનાવવામાં ગુજરાત અને નાબાર્ડનો સહયોગ મહત્‍વનોઃ અત્‍યાર સુધીમાં નાબાર્ડએ ‘સૌની યોજના' માટે 9 હજાર કરોડ, ડેવલપમેન્‍ટ ફંડ માટે 180 કરોડ ફાળવ્‍યા છે

ગાંધીનગરઃ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સાથે નાબાર્ડના ચેરમેન શ્રી ચિંતાલાએ ગાંધીનગરમાં યોજેલી બેઠકમાં ગુજરાત સરકાર અને નાબાર્ડના સંબંધો ભારતભરમાં શ્રેષ્ઠ છે તેવો મત વ્યકત કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત વિકાસમાં અગ્રીમ રાજ્ય છે ત્યારે નાબાર્ડ પણ આર.આઇ.ડી.એફ, વેરહાઉસ ઇન્ફ્રાસ્ટ્રકચર, એગ્રી ઇન્ફ્રાસ્ટ્રકચર, માઇક્રો ઇરીગેશન જેવી મહત્વપૂર્ણ યોજનાઓ માટે રાજ્ય સરકારને માતબર નાણાં ભંડોળથી સહાય આપે છે તે માટે આભાર દર્શાવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ કૃષિ, સિંચાઇ, ફિશરીઝ અને મહિલા ઉત્કર્ષની યોજનાઓમાં નાબાર્ડની સક્રિય ભાગીદારીથી આત્મનિર્ભર ભારત-આત્મનિર્ભર ગુજરાત સાકાર કરવાની નેમ આ અવસરે વ્યકત કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ ખાસ કરીને કૃષિ અને સિંચાઇ ક્ષેત્રમાં તેમજ મહિલા સશકિતકરણની પહેલરુપ એવી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનામાં નાબાર્ડની વધુ સહભાગીતા અંગે ફળદાયી પરામર્શ કર્યો હતો.

કૃષિ રાજ્ય મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર, સહકાર રાજ્યમંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલ, મુખ્ય સચિવ શ્રી અનિલ મૂકીમ તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો અને નાબાર્ડના ગુજરાતના ચીફ જનરલ મેનેજર શ્રી મિશ્રા અને વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, કોરોનાના આ સંક્રમણ દરમ્યાન પણ નાણાંના અભાવે વિકાસના કોઇ કામ અટકે નહિ અને નિર્ધારિત લક્ષ્યાંક મુજબ પૂરા થાય તે દિશામાં રાજ્ય સરકારના સક્રિય પ્રયાસોમાં નાબાર્ડનું ઉત્કૃષ્ટ યોગદાન અપેક્ષિત છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ નાબાર્ડના ચેરમેને ગુજરાતની પ્રખ્યાત કેસર કેરી ખેડૂતો સીધા જ યુરોપના દેશમાં નિકાસ કરી શકે તે દિશામાં બ્લોક ચેઇન ટેકનોલોજી અને યુ.વી. રેડીયેશનની સુવિધા સાથે જિયોમેપિંગ કરવાના સૂઝાવને આવકાર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ આ બેઠકની ફળદાયી ચર્ચાઓમાં જણાવ્યું કે, ગુજરાત વડાપ્રધાનશ્રીની ભારતને પાંચ ટ્રિલીયન ડોલર ઇકોનોમી બનાવવાની સંકલ્પનાને સાકાર કરવા પ્રતિબદ્ધ છે તેમાં નાબાર્ડ કૃષિ, ગ્રામ વિકાસ, સિંચાઇ, મહિલા કલ્યાણ યોજનાઓમાં સહયોગ આપી શકે.

નાબાર્ડ ચેરમેને જણાવ્યું કે, ગુજરાતમાં આ વર્ષે નાબાર્ડ ૩૯ એફ.પી.ઓ ફાર્મસ પ્રોડયુસ ઓર્ગેનાઇઝેશન શરૂ કરવાની છે.

રાજ્યમાં નર્મદાના જળ સૌરાષ્ટ્ર-કચ્છના જળાશયોમાં પહોચાડી કૃષિ ક્રાંતિ અને પીવાના પાણીની પૂરતી ઉપલબ્ધિ માટેની ‘સૌની’ યોજનામાં નાબાર્ડે અત્યાર સુધી ૯ હજાર કરોડનું ફંડીંગ આપેલું છે.

એટલું જ નહિ, વિવિધ સિંચાઇ યોજનાઓ માટે પણ ૧૬ હજાર કરોડ રૂપિયા રાજ્યને નાબાર્ડના સહયોગથી  અત્યાર સુધીમાં મળ્યા છે તેની ચર્ચા-વિમર્શ આ બેઠકમાં હાથ ધરવામાં આવ્યા હતા. નાબાર્ડ વોટરશેડ પ્રોજેકટ અંતર્ગત ૮૬ પ્રોજેકટસમાં ૬૧.૯૩ કરોડ રૂપિયાની મદદથી પ૬૪૧૮ હેકટર વિસ્તારના ૩૭ હજાર પરિવારોને લાભ આપવામાં સહાયક બન્યું છે.

આ ઉપરાંત ટ્રાયબલ ડેવલપમેન્ટ ફંડ પ્રોજેકટસમાં રાજ્યના આદિજાતિ જિલ્લામાં બાવન પ્રોજેકટસ માટે ૧૮૦ કરોડ રૂપિયા નાબાર્ડે ફાળવેલા છે તેમજ ૧૩ આદિજાતિ જિલ્લાના ૪૩ હજાર પરિવારોને લાભ આપેલો છે તેની પણ વિશદ ચર્ચા આ બેઠકમાં હાથ ધરાઇ હતી.

નાબાર્ડ દ્વારા રાજ્યની બનાસ, સાબર અને મધુર તથા અમૂલ ડેરીઓને ડેરી ઇન્ફ્રાસ્ટ્રકચર સુદ્રઢીકરણ માટે સહાય અપાઇ છે તેની વિગતો પણ નાબાર્ડ ચેરમેને આપી હતી.

નાબાર્ડે ગુજરાતના બે જિલ્લા બનાસકાંઠામાં વરિયાળીની અને પાટણમાં જીરાની ખેતી માટે ઓર્ગેનીક સ્પાઇસ સીડ પાર્ક ઊભા કરવા માટે બે કિસાનો.ને  દરેક ને રૂ. રર લાખની સહાયના મંજૂરી પત્રો મુખ્યમંત્રીશ્રીને અર્પણ કર્યા હતા.

પ્રવર્તમાન સ્થિતી સામે સુરક્ષાત્મક જનજાગૃતિ હેતુસર નાબાર્ડે સ્વચ્છતા જાગૃતિ અભિયાન રાજ્યના ૧૦૦ ગામોમાં લોંચ કર્યુ છે તેના પોસ્ટર્સ, બેનર્સ પણ મુખ્યમંત્રીશ્રીએ આ બેઠકમાં વિમોચીત કર્યા હતા.

(5:08 pm IST)