Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

ગાંધીનગર જિલ્લામાં દારૂની હેરાફેરી અટકાવવા પોલીસદ્વારા દોડધામ હાથ ધરવામાં આવી: હિંમતનગર-ચિલોડા હાઇવે નજીક તપાસ દરમ્યાન બસમાંથી 24 ટીન બિયરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

ગાંધીનગર:જિલ્લામાં દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે હિંમતનગર ચિલોડા હાઈવે ઉપર પોલીસ દ્વારા વાહનોને ઉભા રાખી તપાસ કરવામાં આવી રહી છે ત્યારે ગઈકાલે વાહનચેકીંગ દરમ્યાન એક લકઝરી બસના પાર્સલો તપાસ કરતાં તેમાંથી બિયરના ર૪ ટીન મળી આવ્યા હતા. પોલીસે બિયર જપ્ત કરીને પાર્સલ મોકલનાર અને મંગાવનાર સામે ગુનો નોંધ્યો છે

રાજયમાં દારૂબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હોય છે ત્યારે હાઈવેમાર્ગો ઉપર પોલીસના પેટ્રોલીંગ અને ઓચિંતા વાહન ચેકીંગના કારણે બુટલેગરો દારૂની હેરાફેરી માટે અંતરિયાળ માર્ગોનો ઉપયોગ કરી રહયા છે તો નવા કીમિયા તરીકે બુટલેગરોએ વિવિધ પાર્સલોમાં દારૂને અમદાવાદ સહિત અન્ય શહેરોમાં પહોંચતો કરવાનું શરૂ કર્યું છે. ત્યારે ચિલોડા પોલીસની ટીમ વાહન ચેકીંગમાં હતી તે દરમ્યાન ચંદ્રાલા પાસે હિંમતનગર તરફથી આવતી ટ્રાવેલ્સની બસને ઉભી રાખી હતી. જે બસમાં પોલીસે મુસાફરોના સામાન તપાસ્યા હતા તો લકઝરી બસની ડેકીમાં રાખવામાં આવેલા પાર્સલોની પણ તપાસ કરી હતી. જે પૈકી એક પાર્સલ પોલીસને શંકાસ્પદ જણાયું હતું. જેથી મામલે લકઝરી બસના કંડકટરને પુછતાં પાર્સલ રાજસ્થાન બ્યાવર ખાતેથી વિષ્ણુ નામના શખ્સે આપ્યું હતું અને અમદાવાદ ખાતે દિપક નામના વ્યક્તિને આપવાનું હોવાનું કહયું હતું. પોલીસે પાર્સલ ખોલીને જોતાં તેમાં બિયરના ર૪ જેટલા ટીન પેક કરેલી હાલતમાં મળી આવ્યા હતા. જેથી ૩૪૮૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરીને બિયર મોકલનાર વિષ્ણુ અને પાર્સલ મેળવનાર અમદાવાદના દિપક સામે પ્રોહીબીશનનો ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે. કંડકટરે બન્ને આરોપીઓના મોબાઈલ નંબર આપ્યા છે જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

(5:37 pm IST)