Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

દેવું ઉતારવા માટે દારૂની ખેપ મારતું નવસારીનું દંપત્તી પકડાયું:અન્ના પાસેથી લીધેલી 10 હજારની લોન ચૂકવવા અને સંતાનોના ભરણપોષણ માટે દારૂના ધંધામાં ઝંપલાવ્યું

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ રૂરલ પોલીસે હાઇવે પર હાથ ધરેલા ચેકિંગ દરમિયાન નવસારીના એક દંપત્તિને રૂ. 4700ના દારૂ સાથે પકડી પાડ્યા હતા. આ પતિ પત્ની પોતાના બે સંતાનોના ભરણપોષણ માટે અને દેવું ઉતારવા માટે દારૂની ખેપ મારતા હોવાનું જાણવા મળ્યું હતુ.
રૂરલ પોલીસના સ્ટાફે ગુંદલાવ ઓવરબ્રિજ છેડે હાથ ધરેલા ચેકિંગમાં તેમણે એક સીબીઝેડ બાઇક નં. જીજે-15-એજી-6555ને અટકાવી તેની જડતી લીધી હતી. જેમાંથી તેમને દારૂની 65 બોટલો કિં. રૂ. 4,700ની મળી આવી હતી. જેના પગલે પોલીસે કુલીનું કામ કરતા બાઇક સવાર ભગુ કાલીદાસ જોગી અને તેમના પત્ની પુજા ભગુભાઇ જોગીની ધરપકડ કરી હતી. દારૂ સાથે પકડાયેલા ભગુએ જણાવ્યું કે, તેને સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર છે. હાલ કામ પણ ઓછું મળે છે. તેમજ લોકડાઉન દરમિયાન તેણે અન્ના પાસે રૂ. 10 હજારની લોન લીધી હતી. જેની ચૂકવણી કરવા તે દારૂના ધંધામાં પડ્યો પરંતુ તે સફળ થાય એ પહેલાં જ રૂરલ પોલીસે તેના વિરૂદ્ધ કેસ કરી દેતાં હવે તેનું દેવું ચુકવાશે નહી.

(6:00 pm IST)