Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

રાસયણીક કૃષિના દુષ્પરિણામોને કારણે હવે સ્વાસ્થય રક્ષા માટે ફેમેલિ ડૉક્ટરની જેમ ફેમેલિ ફાર્મર વિશે પણ વિચારવું પડશે : આચર્ય દેવવ્રત

પ્રાકૃતિક કૃષિ દ્વારા લોકોના સ્વસ્થયની રક્ષા જળ, જમીન અને હવાની ગુણવતા સુધરસે અને કિશાનની આર્થિક ઉન્નતિ થશે. ઉતર પ્રદેશમાં રાસયણીક કૃષિના મજબૂત વિકલ્પ તરીકે ભારતીય પ્રાકૃતિક કૃષિ પધ્ધ્તિ અંગેની કાર્યશાળામાં રાજ્યપાલ આચર્ય દેવવ્રતનું સંબોધન

 ગાંધીનગર : લખનઉ સ્થિત ઉત્તર પ્રદેશ કૃષિ સંસ્થાન પરિષદ દ્વારા ભારતીય પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ વિષયક યોજાયેલી એક દિવસીય કાર્યશાળાને રાજ્યપાલ આચર્ય દેવવ્રત ઉદ્દોધન કરતાં જણાવ્યું હતું કે, રાસાયણિક કૃષિના દુષ્પરિણામોને કારણે હવે સ્વાસ્થ્ય રક્ષા માટે ફેમિલી ડોક્ટરની જેમ ફેમિલી ફાર્મર વિશે પણ વિચારવું પડશે. રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, આઝાદી સમયે ખાદ્યાન્નની અછતને કારણે રાસાયણિક કૃષિ અપનાવવી એ દેશની જરૂરિયાત હતી. હવે રાસાયણિક કૃષિના દુષ્પરિણામોને કારણે સમાજમાં કેન્સર, ડાયાબિટીસ, હ્રદય રોગ જેવા અસાધ્ય રોગોનો પ્રભાવ વધી રહ્યો છે, ત્યારે પદ્મશ્રી સુભાષ પાલેકર પ્રેરિત પ્રાકૃતિક કૃષિને રાસાયણિક કૃષિના મજબૂત વિકલ્પ તરીકે અપનાવવી પડશે.

           તેમણે વૈજ્ઞાનિકોને ભારતીય પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ વિષયક વધુને વધુ સંશોધનો દ્વારા દેશના ખેડૂતોને માર્ગદર્શિત કરવા આહ્ઢાન કર્યું હતું. આ એક દિવસીય કાર્યશિબિરના શુભારંભ પ્રસંગે રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિને રાસાયણિક કૃષિના મજબૂત વિકલ્પ તરીકે ગણાવી ઉમેર્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વર્ષ 2022માં કિસાનોની આવક બમણી કરવાના સંકલ્પને સાકાર કરવામાં ઓછા કૃષિ ખર્ચ અને સ્વાસ્થ્યપ્રદ ખાદ્યાન્નને પૂરતી કરનારી પ્રાકૃતિક કૃષિ જ એક માત્ર મજબૂત વિકલ્પ છે. તેમણે ગુરૂકુળ કુરૂક્ષેત્રમાં 200 એકર જમીનમાં થઈ રહેલી પદ્મશ્રી સુભાષ પાલેકર પ્રેરિત પ્રાકૃતિક કૃષિના સ્વાનુભવને વર્ણવતાં જણાવ્યું હતું કે, આ એવી પદ્ધતિ છે જેમાં કૃષિ ખર્ચ નહિવત આવે છે અને જળ, જમીન અને હવાની ગુણવત્તા સુધરે છે, દેશી ગાયનું જતન-સંવર્ધન થાય છે. સ્વાસ્થ્યપ્રદ અનાજની ઉપલબ્ધિને કારણે ખેડૂતોને કૃષિ ઉત્પાદનોના વધારે ભાવ મળે છે, જેથી ખેડૂતોની આર્થિક ઉન્નતિ થાય છે. 

           રાજ્યપાલશ્રીએ હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં ચાલી રહેલા પ્રાકૃતિક કૃષિ અભિયાન વિશે પણ માહિતી આપી, આ પદ્ધતિનો વિધિપૂર્વક અમલ કરવા ખેડૂતોને આગ્રહ પણ કર્યો હતો. વેબીનારના માધ્યમથી યોજાયેલી આ કાર્યશાળામાં ઉપસ્થિત રહેલા ઉત્તર પ્રદેશ રાજ્યના કૃષિમંત્રી શ્રી સૂર્ય પ્રતાપ શાહીએ ઉત્તર પ્રદેશમાં ઘટી રહેલી જમીનની ફળદ્રુપતાની ચિંતા વ્યક્ત કરી રાસાયણિક ખાતરો અને જતુનાશકોના ઉપયોગને ટાળવા પ્રાકૃતિક કૃષિને જન અભિયાન સ્વરૂપે ખેતરે-ખેતરે પહોંચાડવા હિમાયત કરી હતી. આ પ્રસંગે ઉત્તર પ્રદેશ કૃષિ અનુસંધાન પરિષદના અધ્યક્ષ શ્રી કેપ્ટન વિકાસ ગુપ્તા અને કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. દેવેશ ચતુર્વેદીએ ઉત્તર પ્રદેશમાં પ્રાકૃતિક કૃષિની આવશ્યકતા ઉપર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે યોજાયેલા ટેકનિકલ સત્રમાં તજજ્ઞોએ પ્રાકૃતિક કૃષિની આવશ્યકતા, ગુણવત્તા માપદંડો જેવા વિષયો પર સમૂહ ચિંતન કર્યું હતું .

(7:18 pm IST)