Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

કોંગ્રેસના ૫૦૦થી વધારે કાર્યકરો ભાજપમાં જોડાયા

વલસાડ જિલ્લા કૉંગ્રેસમાં મોટું ગાબડું : કપરાડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં પડેલા મોટા ભંગાણને કારણે રાજકીય માહોલ ગરમાયો

વલસાડ,તા.૫ : રાજ્યમાં પેટા-ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે રાજકીય તડ-જોડ શરૂ થઈ ગઈ છે. એવામાં વલસાડ જિલ્લામાં કૉંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા કૉંગ્રેસના કેટલાક અગ્રણીઓ અને કાર્યકર્તાઓ કૉંગ્રેસનો હાથ છોડીને ભાજપની છાવણીમાં બેસી ગયા છે. વલસાડ જિલ્લાના ઉમરગામના ધોડીપાડામાં રાજ્યના વન અને આદિજાતિ પ્રધાન મંત્રી રમણ પાટકરની અધ્યક્ષતામાં યોજાયેલા એક કાર્યક્રમમાં ૫૦૦થી વધુ કૉંગ્રેસના કાર્યકર્તાઓ કૉંગ્રેસ છોડીને ભાજપની છાવણીમાં બેસી ગયા હતા. મહત્ત્વપૂર્ણ છે કે આગામી દિવસોમાં વલસાડ જિલ્લાના કપરાડા વિધાનસભા બેઠકની પેટાચૂંટણી યોજાઈ રહી છે. કપરાડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી પહેલાં જ કૉંગ્રેસમાં પડેલા મોટા ભંગાણને કારણે જિલ્લાનો રાજકીય માહોલ ગરમાયો છે. વલસાડ જિલ્લાના સરીગામના વિનોદ કિશોર રાજસિંગ નામના કૉંગ્રેસના અગ્રણી તેમના ૫૦૦થી વધુ સમર્થકો સાથે કૉંગ્રેસ છોડીને ભાજપમાં બેસી ગયા છે. તેમને રાજ્યના વન અને આદિજાતિ મંત્રી રમણ પાટકરે કેસરીયો ખેસ ધારણ કરાવીને ભાજપમાં આવકાર્યા હતા.

             કૉંગ્રેસ છોડી ભાજપમાં આવેલા કોંગ્રેસી કાર્યકર્તાઓએ સરીગામથી ધોડીપાડા સુધી એક વાહન રેલી પણ યોજી હતી. વાહન રેલી બાદ ધોડીપાડામાં યોજાયેલા  કાર્યક્રમમાં કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. આગામી સમયમાં વલસાડ જિલ્લાના કપરાડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી પહેલા અને જિલ્લા પંચાયત સહિતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલાં કૉંગ્રેસમાં થયેલી તોડફોડ જિલ્લા કૉંગ્રેસને મૂંઝવણમાં મૂકી શકે છે. કૉંગ્રેસમાં ભંગાણને કારણે જિલ્લાનો રાજકીય માહોલ પણ ગરમાયો છે. ગુજરાતમાં ચૂંટણી માટે ૯ ઓક્ટોબરે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ ૧૬ ઓક્ટોબર નિર્ધારિત કરવામાં આવી છે. નોમિનેશનની સ્ક્રૂટિની ૧૭ ઓક્ટોબરે થશે. ઉમેદવારી પરત ખેંચવાની મર્યાદા ૧૯ ઓક્ટોબર છે. ૩ નવેમ્બરે તમામ ૮ બેઠકો પર મતદાન યોજાશે અને ૧૦ નવેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે.

(9:41 pm IST)