Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી સોનાની ચેઇનની લૂંટ

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ : લૉકડાઉન બાદ અનલૉક શરૂ થતા ફરીવાર લૂંટ, હત્યા, હુમલો, ચોરી, બળાત્કારની ઘટના સામે આવી રહી છે

અમદાવાદ,તા.૫ : કોરોના વાયરસના કારણે રાજ્ય સહિત દેશભરમાં લૉકડાઉન આપવામાં આવ્યું હતું, ત્યારે દેશભરમાં ક્રાઈમની ઘટનાઓમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, લૉકડાઉન બાદ અનલૉક શરૂ થતા ફરી રોજે-રોજ લૂંટ, હત્યા, હુમલો, ચોરી, બળાત્કારની ઘટનાઓ સામે આવી રહી છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં એક વ્યક્તિ પર જીવલેણ હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે, આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. નિકોલમાં રહેતા ધનજીભાઈ પટેલે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે બપોરે ત્રણેક વાગ્યાની આસપાસ તેઓના ઘરેથી નીકળી મલબાર બંગલોની સામે ખુલ્લા પ્લોટમાં ઓરડી બનાવવાનું કામ ચાલી રહ્યું છે, તેઓ ત્યાં કામ જોવા માટે પહોંચ્યા હતા. સાંજના સામે તેઓ તેમના બાપુજીના દીકરા ભરત સાથે ઊભા રહીને કોન્ટ્રાક્ટ બાબતે ચર્ચા કરી રહ્યા હતા તે દરમિયાન ચાર જેટલા અજાણ્યા ઇસમો તેમની પાસે આવ્યા હતા.

                   ચારેય ભરતભાઈને માર મારવા લાગ્યા હતા. બાદમાં એક ઈસમે તેની પાસે રહેલા તીક્ષ્ણ હથિયાર ફરિયાદીને પેટના નીચેના ભાગે મારીને તેમની સોનાની ચેન લૂંટીને આરોપીઓ રિક્ષામાં ફરાર થઈ ગયા હતા. બાદમાં ઇજાગ્રસ્ત ફરિયાદીને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે આ મામલે લુંટારૂઓ સુધી પહોંચવા માટેના પ્રયત્નો શરૂ કર્યા છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે. અનલૉક થયા બાદ દિવસેને દિવસે ગુનાખોરી વધી રહી છે. એક પછી એક ગુનાને અંજામ આપીને ગુનેગારો જાણે કે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. શહેરના બીજા એક બનાવમાં ઓઢવમાં એક વેપારીને સીસીટીવી કેમેરા લગાવવા સાર્થક સાબિત થયા છે. તેમના ઘર પાસે રાત્રે ગાડી પાર્ક કરીને તેઓ સુઈ ગયા હતા. ત્યારે મોડી રાત્રે બે શખ્સો મોઢા ઉપર માસ્ક બાંધી સોસાયટીમાં ઘૂસ્યા હતા અને બાદમાં પાંચ જ મિનિટમાં સ્કોર્પિઓ કારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જે મામલે પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરી પોલીસે તપાસ શરૂ કરી છે.

(9:43 pm IST)