Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

પરિણીતાએ પ્રેમી સાથે મળી બાળકીનું અપહરણ કર્યું

મમતા ઘેલી પરિણીતાએ સંતાન પ્રાપ્તિ માટે હદ વટાવી : સુરતના ઇન્દિરાનગરમાં ઘરની સામે રમી રહેલી અઢી વર્ષીય બાળકીના અપહરણે ભારે ચકચાર જગાવી હતી

સુરત ,તા. : સુરતમાં સંતાન પ્રાપ્તી, આડા સંબંધો અને ગુનાહિત કૃત્યનો ચોંકવાનારો કિસ્સો સામે આવ્યો છે. સંતાન પ્રાપ્તિ  માટે અને આડા સંબંધોને પામવા એક મહિલાએ પ્રેમી સાથે મળી અને એક જોરદાર કારસો રચ્યો હતો. પ્લાનમાં અડધી સફળતા મળી છતાં અંતે પોલીસની એન્ટ્રી પડી અને મહિલા અને યુવકનો પ્લાન નિષ્ફળ ગયો. પોલીસની સતર્કતાએ અનર્થ થતા અટકાવી દીધું. સુરતના ભટાર વિસ્તારના ઇન્દિરાનગરમાં ઘરની સામે રમી રહેલી અઢી વર્ષીય બાળકીના અપહરણે ભારે ચકચાર જગાવી હતી. કલાકોની દોડધામને અંતે પોલીસે બાળકીને અપહરણકારોની ચુંગાલમાંથી મુક્ત કરાવી પરિવારને સોંપી હતી. પાડોશમાં રહેતી નિઃસંતાન પરિણીતાએ પ્રેમી સાથે મળી બાળકીનું અપહરણ કર્યું હતું.

પોલીસે મહિલા અને તેના પ્રેમીની અપહરણના ગુનામાં ધરપકડ કરી હતી. બનાવની વિગતો એવી છે કે સુરતના ઇન્દિરાનગરમાં રહેતી અઢી વર્ષીય બાળકી રહસ્યમય રીતે ગુમ થઇ ગઇ હતી. બાળકીની માતા લોકોના ઘરકામ માટે ગઇ હતી જ્યારે પિતા નોકરીએ ગયા હતા. ઘરમાં મોટી બહેન અને નાની બાળકી  ત્રણ સંતાનો હતા. બાળકી ઘરની સામે આવેલાં એક મકાનમાં ઓટલા ઉપર પાડોશી મહિલા સહિતના લોકો તેને રમાડી રહ્યા હતા ત્યારબાદ તેને કોઇએ જોઇ નહિ હોવાનું જણાવ્યું હતું. મોડી સાંજે મામલો ખટોદરા પોલીસ મથકે પહોંચ્યો હતો. અઢી વર્ષીય બાળકીની અપહરણની વાતે ક્રાઇમ બ્રાન્ચ અને એસ..જી. પણ ત્યાં દોડી આવી હતી.

દોડધામ વચ્ચે ખટોદરા પોલીસે શનિવારે રાત્રે અપહૃત બાળકીને પાંડેસરા આશાપુરી ૩માં એક મકાનમાંથી મુક્ત કરાવી હતી. બાળકીનું અપહરણ પાડોશમાં રહેતી ૩૬ વર્ષીય સંગીતાબેન સંપત્તલાલ ગુપ્તાએ તેના પ્રેમી રાઘવેન્દ્ર રાજપૂત સાથે મળીને કર્યું હોવાનું બહાર આવતાં પોલીસે બંનેની ધરપકડ કરી હતી. સવારે સાડા અગિયાર વાગ્યે નિયત કરેલાં પ્લાન પ્રમાણે તેનો પ્રેમી રાઘવેન્દ્ર બાઇક લઇને વિશ્વકર્મા મંદિર પાસે આવ્યો હતો. જ્યાં સંગીતા બાળકીને આપી આવી હતી. બે સંતાનો પિતા રાઘવેન્દ્રના તેની પત્ની સાથે છુટા છેડા થઇ ગયા હોઇ એકલો રહેતો હતો, એક વર્ષ પહેલાં તે ઇન્દિરાનગરમાં રહેતો હતો ત્યારે સંગીતા સાથે તેના અનૈતિક સંબંધ બંધાયા હતા.

બંનેએ બાળકી સાથે બિહાર ભાગી જવાનો પ્લાન કરી શનિવારે રાત્રે દસ વાગ્યે વલસાડથી બિહારના સમસ્તીપુર જતી ટ્રેનની ટિકિટ પણ બુક કરાવી લીધી હતી. બાળક થાય તે માટે તાંત્રિકો પાસે જતી મહિલાનો ચોક્કસ ઇરાદો જાણવા પોલીસે બંનેના રિમાન્ડ મેળવ્યા હતા. અપહત બાળકીની ૧૧ વર્ષીય મોટી બહેન જણાવ્યું હતું કે સંગીતાબેને પોતાનો મોબાઇલ ફોન બાળકીને રમવા આપ્યો હતો. સંગીતાબેન પોતાની પાસે ફોન નહિ હોવાનું પતિ કામ ઉપર લઇ ગયો હોવાનું જણાવતાં સૌથી પહેલી શકમંદ તરીકે તે રડાર  ઉપર આવી ગઇ હતી. પોતે બંગડી લેવા વિશ્વકર્મા મંદિર પાસે ગઇ હોવાનો જે રૂ જણાવ્યો હતો ત્યાં સીસીટીવી ચેક કરતાં પોલીસ સૂત્રોએ આપેલી માહિતી તે ત્યાંથી જતી દેખાઇ હતી. બીજા રૂટના સીસીટીવીમાં તે વિશ્વકર્મા મંદિર તરફથી આવતી દેખાઇ હતી. તેની પાસે રહેલાં એક કપડામાંથી મોબાઇલ ફોન મળી આવતાં પોલીસે સખ્તાઇ દાખવી સત્ય હકીકત કઢાવી લીધી હતી.

(9:06 pm IST)