Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

અમદાવાદમાં રાત્રીના સમયે બંધ દુકાનોમાં ચોરી કરતી ગેંગ ઝડપાઇ : અઠવાડીયામાં 5 ગુનાને આપ્યો અંજામ

ચોરીના ગુનામા ઝડપાયેલી આ ગેંગ અગાઉ 18 જેટલા ગુનાને અંજામ આપી ચુકી હોવાનુ પોલીસ તપાસમાં ખુલ્યું

અમદાવાદ ઝોન 7 એલસીબી દ્વારા શહેરમાં રાત્રીના અંધારામાં ચોરીને અંજામ આપતી ગેંગ ને ઝડપી લેવામાં આવી છે. આરોપી વિશાલ ઉર્ફે મોન્ટુ પરમાર, જીતેન્દ્ર ઉર્ફે જીગો મીણા, વિષ્ણુપ્રસાદ ઉર્ફે બંગાળી પંડિત અને અજય સોલંકીની એલિસબ્રિજ વિસ્તારમાંથી ઝડપી પાડ્યા છે. આરોપીએ છેલ્લા એક અઠવાડીયામાં આનંદનગર, એલિસબ્રિઝ, પાલડી અને બોપલમાં મળી કુલ 5 ગુનાને અંજામ આપ્યો હતો.

ચોરીના ગુનામા ઝડપાયેલી આ ગેંગ અગાઉ 18 જેટલા ગુનાને અંજામ આપી ચુકી હોવાનુ પોલીસ તપાસમાં સામે આવ્યુ છે. આરોપીની ગેંગમા એક રિક્ષા ડ્રાઈવર રહેતો જે ચોરીના સ્થળની આસપાસ રેકી કરતો જેથી પોલીસ કે, કોઈ અન્ય લોકો આવે તો ભાગી જવામાં મદદ કરતો હતો. મહત્વનુ છે કે, તમામ આરોપી દારુ – જુગાર અને નશાની ટેવ વાળા છે. માટે નશાનો શોખ પુરો કરવા માટે ચોરીના રવાડે ચડ્યા હોવાનુ સામે આવ્યુ છે. જો કે પોલીસનાં હાથે આરોપી ઓ ઝડપાઈ જાય નહિ તે માટે જ્યાં ચોરી કરે ત્યાંથી સીસીટીવી માટેનાં ડીવીઆરની પણ ચોરી કરતા હતા.

મહત્વનુ છે કે, આરોપી પાસેથી પોલીસે ચોરીનો કેટલોક મુદ્દામાલ કબ્જે પણ કર્યો છે. સાથે જ અન્ય મુદ્દામાલ ક્યા અને કોને વેચ્યો તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ આરોપીની સાથે અન્ય કોઈની સંડોવણી છે કે, કેમ તે અંગે પણ તપાસ શરૂ કરી છે.

(9:18 pm IST)