Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

સુરતમાં એલ.પી.સવાણી સ્કૂલમાં 3 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત: શાળા 7 દિવસ સુધી બંધ કરાઈ

શાળા સંચાલકો, વાલીઓ અને અન્ય વિદ્યાર્થીઓમાં ફફડાટ ફેલાયો

સુરત : શહેરની એલ.પી.સવાણી સ્કૂલના ત્રણ વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતા ફફડાટ ફેલાયો છે. એલ.પી.સવાણી સ્કૂલમાં ધોરણ-11 સાયન્સમાં અભ્યાસ કરતા 3 વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા છે. એક સાથે 3 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા શાળા સંચાલકો, વાલીઓ અને અન્ય વિદ્યાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે. તકેદારીના ભાગરૂપે એલ.પી.સવાણી સ્કૂલને 7 દિવસ માટે બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

સુરતમાં આ અગાઉ લીંબાયતની સુમન સ્કુલમાં અને સિંગણપોરની શારદા વિદ્યામંદિરમાં મળી કુલ 3 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયો હતો. 27 જૂલાઇથી ધોરણ-9થી 11માં ઓફલાઇન એજ્યુકેશનની મંજૂરી સ્કૂલોને અપાઈ હતી. જોકે, સ્કૂલ શરૂ થયાના પહેલા જ દિવસે વિદ્યાર્થીઓની 75 ટકા હાજરી હતી. તે પછી ધીમે ધીમે હાજરી વધીને 95 ટકા થઈ ગઈ હતી.

પરંતુ લિંબાયતની સુમન સ્કૂલમાં એક અને સિંગણપોરની શારદા વિદ્યામંદિરમાં બે વિદ્યાર્થીના કેસ પોઝિટિવ આવતાં હાજરી ઘટીને 70 ટકા થઈ ગઈ હતી. શેઠ ડી.આર. ઉમરીગર સ્કૂલમાં માત્ર 500માંથી 5 જ વિદ્યાર્થીઓ હતા. કોઈ વિદ્યાર્થી પોઝિટિવ આવશે તો સ્કૂલને 7 દિવસ માટે બંધ રાખવાનો SMCએ આદેશ કર્યો છે.

(10:34 pm IST)