Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

ધોરણ ૧થી ૫ના વર્ગો શરૂ કરવા માટેય ગુજરાત સરકાર બીજા રાજયોના સહારે

કેન્દ્ર અને અન્ય રાજયોના નિર્ણય પર નિર્ભર સરકાર ફરી અર્નિણિતઃ માસ પ્રમોશન જેવા અનેક નિર્ણયોમાં જાતે નિર્ણયની અક્ષમતા જ બતાવી છે

અમદાવાદ, તા.૫: રાજયમાં કોરોના વાઈરસ હળવો થતાં ધોરણ.૧થી ૫ના વર્ગો શરૂ કરવા અંગે સ્કૂલ સંચાલકો માગ કરી રહ્યાં છે પરંતુ નાના બાળકોના વર્ગો કયારે શરૂ થશે તે અંગે હજુ સુધી ગુજરાત સરકારો કોઈ ફોડ પાડયો નથી. એટલુ જ નહી આધારભુત સુત્રો દ્વારા એવી પણ માહિતી મળી છે કે, ગુજરાતમાં ધોરણ.૧થી ૫ના વર્ગો શરૂ કરવા કે કેમ તે અંગે પણ સરકાર બીજા રાજયો શુ નિર્ણય કરે છે તેની રાહ જોઈ રહી છે. નાના બાળકોના વર્ગો શરૂ થશે કે કેમ તે અંગે પુછવા રાજયના શિક્ષણમંત્રીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમણે ફોનનો જવાબ આપવાની તસ્દી લીધી નહોતી.

બીજી તરફ શિક્ષણ નિષ્ણાંતો જણાવે છે કે, ગુજરાત સરકારે શિક્ષણક્ષેત્રે જાતે કોઈ નિર્ણય કર્યો જ નથી અને જે કોઈ પણ મહત્વના નિર્ણયો લીધા છે તેમા કેન્દ્ર સરકારના નિર્ણયને સીધે સીધો અનુસર્યો છે અથવા તો અન્ય રાજયના નિર્ણયને પગલા ચાલવાનો પ્રયત્ન કર્યો છે. જેનું તાજુ ઉદાહરણ ધોરણ.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા છે. ગુજરાતમાં સવારે બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાય છે અને સાંજે કેન્દ્ર સરકાર પરીક્ષા રદ કરે છે. તો બીજા દિવસે ગુજરાત સરકાર પણ પોતાનો નિર્ણય ફેરવી તોળી કેન્દ્રના નિર્ણયને અનુસર્યો હતો.

રાજયની તમામ શાળાઓમાં ધોરણ.૧થી ૫ના વર્ગોમાં પણ પ્રત્યક્ષ શિક્ષણકાર્ય શરૂ કરવાની ખાનગી શાળા સંચાલકોએ સરકાર સમક્ષ માંગ કરી છે. સંચાલકોએ રજૂઆતમાં જણાવ્યું છે કે, વાલીઓ તેમના સંતાનોને સ્કૂલે મોકલવા માટે વારંવાર રજૂઆતો કરી રહ્યાં છે. જેથી ચોક્કસ ગાઈડલાઈન સાથે નાના બાળકોના વર્ગો શરૂ કરવાની મંજુરી આપવામાં આવે.

(9:58 am IST)