Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

ભાજપના તમામ કાર્યકરો અને ચૂંટાયેલા પ્રતિનિધીઓ ગાંધીનગર મહાનગરપાલિકાના મતદારોના તમામ કામ પૂર્ણ કરશેઃ સી.આર. પાટીલે ખાત્રી આપી

સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીમાં ભાજપની લહેરની વધાવતા પ્રદેશ ભાજપ પ્રમુખ

ગાંધીનગરઃ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે. મહાનગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. જેમાંથી 41 બેઠક પર ભાજપના ઉમેદવારોની જીત થઈ છે. ત્યારે કોંગ્રેસના ફાળે 2 અને આમ આદમી પાર્ટીની 1 બેઠક પર જીત થઈ છે. ભાજપની જીત પર વાત કરતા સીઆર પાટીલે કહ્યું હતું કે, હું ફરી કહું છું કે રાજ્યમાં ત્રીજી પાર્ટી માટે કોઈ જગ્યા નથી.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપની લહેર જોવા મળી રહી છે. મહાનગરપાલિકા, નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત નોંધાવતા 41 બેઠકો પર કમળ ખિલ્યું છે. ત્યારે ભાજપની જીત પર સીઆર પાટીલે જણાવ્યું હતું કે, ભાજપ આજે 41 સિટ સાથે આગળ રહ્યો છે, કોંગ્રેસ ફક્ત 2 અને જે ગાજ્યા હતા એ વરસ્યા નથી, એવાને 1 બેઠક મળી છે.

ગાંધીનગર સહિત ગુજરાતમાં આજનું પરિણામ ઐતિહાસિક છે. આજનું પરિણામ મોદી સાહેબમાં મતદારોનો વિશ્વાસ દર્શાવે છે. ભાજપ મતદારોનો વિશ્વાસ પૂર્ણ કરશે. ભાજપના તમામ કાર્યકરો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગાંધીનગર મહાનગરપાલિકાના મતદારોના તમામ કામ પૂર્ણ કરશે એવી ખાતરી આપું છું. અમિત શાહ સતત પોતાના મતવિસ્તારની અપડેટ લેતા રહે છે. જો કે, સીઆર પાટીલે આપ પર પ્રહાર કરતા કહ્યું કે, હું ફરી કહું છું કે રાજ્યમાં ત્રીજી પાર્ટી માટે કોઈ જગ્યા નથી.

(4:37 pm IST)