Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં રેતી ચોરી કરી રહેલ ચાર શખ્સોને અટકાવતા મહિલા સરપંચના પતિ સહીત પુત્ર પર જીવલેણ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપનાર વિરુદ્ધ ગુનો દાખલ

આણંદ : આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના પ્રતાપપુરા ગામે રેતી ચોરી કરી રહેલ ચાર શખ્શોને અટકાવતા મહિલા સરપંચના પતિ-પુત્રને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવાના બનાવે નાનકડા ગામમાં ભારે ચકચાર જગાવી છે. આ બનાવ અંગે ખંભોળજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઉમરેઠ તાલુકાના પ્રતાપપુરા ગામે સર્વે નં.૧૧૪માંથી કેટલાક શખ્શો રેતીની ચોરી કરી રહ્યા હોવાની માહિતી ગામના સરપંચ સવિતાબેન ચૌહાણને થઈ હતી. જેથી તેઓએ આ અંગે પતિ સબળસિંહ ચૌહાણ અને પુત્ર શૈલેષભાઈને જાણ કરતા પિતા-પુત્ર બંને તુરંત જ ઘટના સ્થળે દોડી ગયા હતા. જ્યાં કાળાભાઈ રમતુભાઈ ચૌહાણ, જયેશભાઈ સામંતભાઈ ચૌહાણ, વિજયભાઈ કાળુભાઈ ચૌહાણ અને કનુભાઈ પ્રભાતભાઈ ચૌહાણ હિટાચી મશીન વડે રેતી ખનન કરી રહ્યા હોવાનું જાણવા મળતા તેઓએ રેતી ચોરી કરી રહેલ શખ્શોને ના પાડતા ઉક્ત ચારેય શખ્શો એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને ગમે તેમ અપશબ્દો બોલી મહિલા સરપંચના પતિ અને પુત્રને ગડદાપાટુનો માર માર્યો હતો. બાદમાં ચારેય જણ રેતી ખનન બંધ કરી મશીનો લઈ ત્યાંથી ચાલ્યા ગયા હતા.  આ બનાવ અંગે સવિતાબેન ચૌહાણે ખંભોળજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઉક્ત ચારેય શખ્શો વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

(5:45 pm IST)