Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

રાજપીપળામાં 10 દિવસથી ત્રણ વિસ્તારમાં પીવાના પાણી સાથે ગટરનું પાણી મિક્ષ થતા રોગચાળાનો ભય

દસ દિવસથી પાણીની લાઈનોનું ખોદકામ કરી ખાડા ખુલ્લા મુકાયા બાદ પાલિકા તંત્રને ફુરસદ નથી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નગરપાલિકાના ખાડે ગયેલા વહીવટમાં એક બાદ એક લાલીયાવાડી સામે આવે છે.હાલમાં છેલ્લા લગભગ 10 દિવસથી મોચીવાડ,માલિ વાડ, પારેખ ખડકીની લીકેજ પાણીની લાઈન મરામત માટે ખાડા ખોડાયા હોવા છતાં ખુલ્લા ખાડા મૂકી પાલિકા તંત્ર જાણે આ બાબત ભૂલી ગઈ હોય એમ નથી તૂટેલી પાઇપનું રીપેરીંગ થતું કે નથી ખાડા પુરાતા જેથી આસ પાસના લોકોને વાહનો લઈ જવું મુશ્કેલ બન્યું છે.
 મહત્વની બાબત એ છે કે પાણીની લાઈનને અડીનેજ ગટર જતી હોવાથી પીવાના પાણીની લીકેજ લાઈનમાં ગટરનું પાણી મિક્સ થતા સ્થાનિકોને ગટરનું ગંદુ પાણી મળે છે જેથી આ તરફ રોગચાળો ફેલાઈ તેવો ભય પણ લોકોને સતાવી રહ્યો છે.વારંવાર ફરિયાદો કરવા છતાં અધૂરું કામ પૂર્ણ ન કરતું પાલિકા તંત્ર કોઈ મોટો રોગચાળો વકરે તે પહેલાં આ કામગીરી યોગ્ય રીતે પૂર્ણ કરે તેવી માંગ ઉઠી છે.

(8:56 pm IST)