Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

વડીયા ગામમા કચરો ફેંકનાર પાસે 200 રૂપિયા દંડ વસૂલવા પંચાયતમાં નિર્ણય

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાને અગાઉ ખુલ્લામાં શૌચ મુક્ત જિલ્લો જાહેર કરી એવોર્ડ એનાયત કરાયો હતો. હાલ પીએમ મોદીનું સ્વચ્છ ભારત અભિયાન જાણે લોકોમાંથી જાણે ભુલાઈ ગયું છે.
રાજપીપળાને અડીને આવેલ નાંદોદ તાલુકાની વડીયા ગ્રામ પંચાયત દ્વારા જાણવા મળ્યું છે કે કોઈ પણ વ્યક્તિ જાહેરમાં કચરો ફેંકતા પકડાશે તો એની પાસે 200 રૂપિયા દંડની” જોગવાઈ કરવામાં આવી છે.
  નર્મદા જિલ્લામાં એક માત્ર વડીયા ગ્રામ પંચાયત એવી છે કે જે ડોર ટુ ડોર કચરો ઉઘરાવે છે, અને આ જ બાબતે વડીયા ગ્રામ પંચાયતને અગાઉ એવોર્ડ પણ મળી ચુક્યો છે.સ્વચ્છતા અભિયાન પ્રત્યે લોકો ગંભીર બને અને અન્ય લોકોને પણ જાગૃત કરે એ દ્રષ્ટિએ વડીયા ગ્રામ પંચાયત વિસ્તારમાં જાહેરમાં કચરો ફેંકનાર વ્યક્તિ પાસે ગ્રામ પંચાયત 200 રૂપિયા સ્થળ પર જ દંડ વસુલ કરશે.સાથે સાથે જે કોઈ પણ વ્યક્તિ જાહેરમાં કચરો ફેંકનારનો ફોટો પાડી ગ્રામ પંચાયતે જાહેર કરેલા વોટ્સ એપ નંબર 9712122688, 9427842596 પર ફોટો મોકલશે એ વ્યક્તિને ગ્રામ પંચાયતે 50 રૂપિયા ઈનામ પણ આપવાની જાહેરાત કરી છે.આમ કરવાથી ગામ સ્વચ્છ તો રહેશે પણ સાથે સાથે લોકો પોતાની જવાબદારી પ્રત્યે પણ સભાન થશે એમ ગ્રામ પંચાયતના સભ્યોનું માનવું છે.

(8:42 pm IST)