Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

૨૭મી નવેમ્બરથી શરૂ થતી લગ્નસરા માટેની નવી છૂટથી જન્મેલો આશાવાદ

૨૦૦ મહેમાનોને મંજૂરીથી કેટરિંગ અને પાર્ટી પ્લોટવાળાઓને કામ મળશેઃ આગામી માર્ચ ૨૦૨૧માં લગ્નનું એક પણ મુહૂર્ત નથી

અમદાવાદ, તા.૫: હવે લગ્ન સહિતના સમારંભમાં ૨૦૦ આમંત્રીતોને બોલાવી શકાશે તેવી છૂટના પગલે ૨૭મી નવેમ્બરથી શરૂ થતી લગ્નસરા કર્મકાંડી બ્રાહ્મણો, કેટરીંગ અને પાર્ટીપ્લોટવાળા માટે નવોજ આશાવાદ લઇને આવ્યો છે.

અનલોકડાઉન શરૂ થતા અનેક નિયમોના આધીન ૧૦૦ આમંત્રીતોને બોલાવવાની છૂટ અપાઇ હતી. પરંતુ ખુબજ ઓછા આમંત્રીતોને બોલાવવાની છૂટ હોવાથી સારી રીતે કે જાહોજલાલી થી યોજાતા લગ્નસમારંભ કેટલાય દ્વારા મોકૂફ રાખવામાં આવ્યા હતા. જયારે અન્ય માંગલિક સહિતના કાર્યક્રમો પણ મોકૂફ રાખ્યા હતા. પરંતુ હવે ૨૦૦ મહેમાનોને સમારંભમાં આમંત્રીત કરી શકાય તેવી છૂટ અપાતા હવે ૨૭મી નવેમ્બર થી શરૂ થતી લગ્નસરામાં લોકો લગ્ન સમારંભનું આયોજન માટે આગળ આવશે.

આ અંગે દુષ્યંત મહારાજે જણાવ્યુ હતુકે આ સિઝનમાં ૨૭મી નવેમ્બર થી ૧૦ ડિસેમ્બર સુધી ફેબ્રુઆરીના ૧૫ અને ૧૬ (વસંત પંચમી), એપ્રિલની ૨૪ થી૧૩ જુલાઇ સુધીને લગ્નના મહૂર્તછે .જોકે માર્ચ મહિનામાં લગ્નના મહૂર્ત નથી. લગ્નસરા પુર બહારમાં આ મહુર્ત દરમિયાન ખીલે તો ભૂદેવો ઉપરાંત કેટરીંગ અને પાર્ટી પ્લોટવાળાને પણ આ સિઝનના લાભની આશા છે. અત્યાર સુધી લગ્નના મહૂર્ત કઢાવવા કે કેટરીંગ વાળા કે પાર્ટી પ્લોટવાળાને ત્યાં પણ કોઇ પુછપરછ આવતી ના હતી. નવી છૂટછાટથી લગ્ન સમારંભ યોજાય તો ભૂદેવ, કેટરીંગ અને પાર્ટીપ્લોટવાળાને લાભ થાય તેવી આશા છે.

આ લગ્ન સિઝનમાં ગુરૂ-શુક્રનો અસ્ત હોવાથી લગ્નના મહૂર્ત દર લગ્નસરા કરતા ઓછા છે તેવુ જણાવતા જયોતિષી દુષ્યંતભાઇએ જણાવ્યુ હતુકે તા.૧૯થી ૧૧ ફેબ્રુઆરી ગુરૂનો અસ્ત અને ૨૧ ફેબ્રુઆરી થી ૧૬ એપ્રિલ સુધીને શુક્રનો અસ્ત છે. આથી લગ્નના મહૂર્ત આ લગ્નસિઝનમા ખુબ ઓછા છે.

(11:18 am IST)