Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

પહેલા કોલેજો બાદ ધો.૯ થી ૧૨ના વર્ગો શરૂ કરાશે

ત્યારબાદ પ્રાથમીક વર્ગો શરૂ કરવા વિચારણાઃ જો કે આરોગ્ય વિભાગ : સાથે ચર્ચા - વિચારણા કર્યા બાદ જ નિર્ણય લેવાશેઃ કેબીનેટ બેઠકમાં નિર્ણય : પહેલા કોલેજો ખોલવાની સરકારની વિચારણાઃ આરોગ્ય વિભાગ સાથે પરામર્શ કર્યા બાદ જ આ અંગે અંતિમ નિર્ણય લેવાશે

અમદાવાદ : કોરોના મહામારી વચ્ચે રાજયની પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલો છેલ્લાં ૭ મહિનાથી બંધ કરાઇ હતી ત્યારે કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી રૂપાણીએ મહત્વનો આદેશ કર્યો છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, 'મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં દિવાળી બાદ સ્કૂલો ખોલવાનો નિર્ણય લેવાયો છે. જો કે પહેલા કોલેજો ખોલવાની સરકારની વિચારણા છે.' જો કે બેઠકમાં વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, 'આરોગ્ય વિભાગ સાથે પરામર્શ કર્યા બાદ જ આ અંગે અંતિમ નિર્ણય લેવાશે.'

મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ મંત્રી મંડળના સભ્યોને પણ ધારાસભ્યો સહિત જનપ્રતિનિધિઓ પાસેથી ફરીથી ફિઝિકલ એજયુકેશન શરૂ કરવા માટેના પ્રતિભાવો માંગ્યા હતાં. જેમાં ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, 'હાલમાં દિલ્હીમાં ફરીથી કોરોનાના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. પરંતુ ગુજરાતમાં એવી સ્થિતિ નહીં સર્જાય તો બે જ સપ્તાહમાં દિવાળી બાદ સ્કૂલો- કોલેજો શરૂ કરવાનો નિર્ણય લેવાશે. જેમાં સૌ પ્રથમ કોલેજો પછી મહાવિદ્યાલયો અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ધોરણ ૯થી ૧૨ અને ત્યાર બાદ ઉતરતા ક્રમે સ્કૂલો શરૂ કરવા તરફ આગળ વધવાનો કાર્યક્રમ જાહેર થશે.

કલાસરૂમમાં પણ સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે આંતરે દિવસે બે- ત્રણ ભાગમાં વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે. એટલે કે કોવિડ ગાઇડલાઇનના નવા નિયમો હેઠળ વર્તમાન શૈક્ષણિક વર્ષનું શિક્ષણ કાર્ય આગળ ધપાવાશે. ગુજરાતમાં કોરોનાના કેસો તેમજ હોસ્પિટલમાં સારવાર હેઠળના દર્દીઓ અને મૃત્યુદરમાં ઘટાડા બાદ રાજયનો આરોગ્ય વિભાગ પણ કોવિડની મહામારી માટે ઉપયોગમાં લેવાતી દવાઓ, ઈન્જેકશન અને ઓકિસજનની માત્રામાં પણ ઘટાડો થઈ રહ્યાનો દાવો કરે છે.

(2:43 pm IST)