Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

માંડલ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટ્રેન્ટ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

કોવિડ-૧૯ વૈશ્વિક મહામારીથી બચવાના ઉપાયો અંગે સમજ આપી જનજાગૃતિ કરવામાં આવી

વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા વિરગમામ :
તસવીર- જગદીશ રાવળ (ટ્રેન્ટ) અમદાવાદ જિલ્લાના તમામ જિલ્લા સદસ્યની બેઠક દીઠ મેડીકલ કેમ્પનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવેલુ છે. જે અંતર્ગત અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટ્રેન્ટ ખાતે ગૂરૂવારે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટ્રેન્ટના મેડીકલ ઓફિસર ડૉ. ભાવેશભાઇ રથવી દ્વારા જનરલ ઓપીડીમાં પ્રાથમિક સારવારને લગતા તમામ દર્દીઓની તપાસ કરીને નિઃશુલ્ક દવા આપવામાં આવી હતી. જરૂરીયાત પ્રમાણે દર્દીઓની લેબોરેટરી તપાસ પણ કરવામાં આવી હતી. ગ્રામજનોને કોવિડ-૧૯ વૈશ્વિક મહામારીથી બચવાના ઉપાયો અંગે સમજ આપીને જનજાગૃતિ કરવામાં આવી હતી. આ સર્વરોગ નિદાન કેમ્પમાં જિલ્લા સદસ્ય ભગવાનભાઇ પટેલ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ઇશ્વરભાઇ સોલંકી, ગામના સરપંચ રસિકભાઈ પટેલ,  ડો.ભાવેશભાઈ રથવી, આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

(8:58 pm IST)