Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

સુરત કોરોનાની રીવ્યુ બેઠકમાં કલેકટર, ડોક્ટર સાથે હાજર સિવિલના આરએમઓ જ કોરોના પોઝિટિવ આવતા ચિંતા

આરટીપીસીઆર રિપોર્ટ પેન્ડિંગ છતાં બેઠકમાં હાજર રહ્યા તેવી ચર્ચા : બેઠકમાં હાજર રહેલા ઉચ્ચાધિકારીઓનો કોવિડ-19નો ટેસ્ટ કરાવવા માટેની તજવીજ

સુરત જિલ્લા કલેકટર  આયુષ ઓકની અધ્યક્ષતામાં નવી સિવિલ હોસ્પિટલ  ખાતે ગઈકાલે યોજાયેલ રિવ્યુ બેઠકમાં હાજર રહેલા નવી સિવિલ હોસ્પિટલના એક ડોક્ટરનો આજે કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવતાં ભારે ચિંતા પ્રસરી જવા પામી છે. બેઠકમાં હાજર રહેલા કલેકટર સહિતના ઉચ્ચાધિકારીઓએ હાલ કોવિડ-19નો ટેસ્ટ કરાવવા માટેની તજવીજ હાથ ધરી હોવાનું પણ જાણવા મળ્યું છે.બેઠક દરમ્યાન સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે 1600 જેટલા બેડની અલાયદી હોસ્પિટલ સહિત 300 જેટલા વેન્ટીલેટર બેડની સુવિધા સહિતના મુદ્દે સઘન ચર્ચા – વિચારણા કરવામાં આવી હતી. આ દરમ્યાન બેઠકમાં અગ્ર હરોળમાં બેઠેલા આએમઓ ડો. કેતન નાયક અને તેઓની પત્નીનોઆજે કોવિડ-19નો રિપોર્ટ પોઝીટીવ આવતાં બેઠકમાં હાજર તમામ અધિકારીઓએ પણ તકેદારીના ભાગરૂપે ટેસ્ટિંગની માટેની કવાયત હાથ ધરી છે. આ સિવાય ડો. કેતન નાયકના ઓફિસ સ્ટાફનો પણ રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

આરટીપીસીઆર રિપોર્ટ પેન્ડિંગ છતાં બેઠકમાં હાજર રહ્યા તેવી ચર્ચા : એવું પણ જાણવા મળ્યું છે કે કેતન નાયકનો આરટીપીસીઆર રિપોર્ટ પેન્ડિંગ હતો તેમ છતાં તેઓ બેઠકમાં હાજર રહ્યા હતા. જેને કારણે તેમની લાપરવાહીની ચર્ચા પણ હાલ સિવિલ હોસ્પિટલના તબીબ વર્તુળોમાં થઇ રહી છે.

(10:33 pm IST)