Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

કોરોના મહામારી વધતાં અંબાજી મંદિરમાં પોષી પૂનમના કાર્યક્રમ રદ

પોષી પૂનમે મા અંબાના જન્મોત્સવ નિમિતે નીકળનારી શોભાયાત્રા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો બંધ રહેશે

પાલનપુર,તા.૬ : આગામી ૧૭ જાન્યુઆરી ૨૦૨૨ના પોષસુદ પૂનમે મા અંબાનો જન્મોત્સવ છે. મા અંબા મૂળ સ્થાન એવા શકિતપીઠ અંબાજીમાં માતાજીના જન્મોત્સવને ખુબજ ધામધૂમથી ઉજવવામાં આવે છે. પણ આ વખતે કોરોના સંક્રમણ વધતાં માતાજીના જન્મોત્સવને લઈ વિવિધ કાર્યક્રમો રદ કરાયા છે.

રાજયમાં કોરોનાને ઓમિક્રોનના વધતા કેસને લઇ પોષ સુદ પૂર્ણિમાના માતાજીના જન્મોત્સવને લઇ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ સાથે પોલીસ અધિકારીઓની એક બેઠક અંબાજી મંદિર ખાતે યોજાઇ હતી અને હાલમાં કોરોનાને લઇ સરકારની SOP પ્રમાણે કાર્યક્રમ યોજવા નક્કી કરાયું  હતું. આ પોષી પુનમે મોટી સંખ્યામાં શ્રદ્ઘાળુઓ ઉમટી પડતા હોવાથી તેવામાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે અંબાજીમાં માતાજીની નિકળનારી વિશાળ શોભાયાત્રા રદ કરાઇ છે. અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા બે દિવસીય યોજાતા સંસ્કૃતિક કાર્યક્રમો પણ રદ કરાયા છે. જોકે માતાજીના જન્મોત્સવને લઇ અંબાજી ગબ્બર ગઢથી માતાજીની અખંડ જયોત લાવીને અંબાજી મંદિર ની જયોત સાથે મિલાવામાં આવશે અને ધાર્મિક ઉત્સવ સેવાસમિતિ દ્વારા વિશેષ આરતીનો કાર્યક્રમ મંદિરના ચાચરચોકમાં યોજવામાં આવશે. આ સિવાયના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. જોકે અંબાજી મંદિરમાં દર્શનાર્થીઓની ભીડ જોઇને દર્શનના સમયમાં વધારો કરવા નક્કી કરાયા હોવાનુ અંબાજી મંદિર ના વહીવટદાર એસ. જે. ચાવડાએ જણાવ્યુ હતુ.

(10:12 am IST)