Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાનું જન સુખાકારીના હિતમાં : યજ્ઞેશ દવે

માંગુકિયા, જોષી, બુંદેલા, પરમારે પણ નિર્ણય આવકાર્યો

રાજકોટ, તા. ૬ : ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આજ રોજ વાઇબ્રન્ટ સમીટ-૨૦૨૨ મોકૂફ રાખવાનો નિર્ણયને લોકોના સ્વાસ્થ્ય સુખાકારીના હિતમાં લેવાયો છે તેવું જણાવતા ગુજરાત પ્રદેશ ભાજપ મીડિયા કન્વીનર ડો. યજ્ઞેશભાઈ દવે, સૌરાષ્ટ્ર ઝોન કન્વીનર સુરેશભાઈ માંગુકીયા, પ્રદેશ મીડિયા સભ્યશ્રી હિરેનભાઈ જોશી, મુકેશભાઈ બૂંદેલા, સુરેશભાઈ પરમારએ કહ્યું હતું કે, હાલ રાજયમાં સરકાર દ્વારા સઘન રસીકરણ , ટ્રેસિંગ અને ટ્રેકિંગના પગલે સ્થિતિ મહદઅંશે નિયંત્રણમાં છે. રાજ્યમાં કોરોના દર્દીઓ સાજા થવાનો રિકવરી રેટ ૯૭.૪૮ ટકા જેટલો થયો છે. રાજ્ય સરકાર સારવાર, આઇસોલેશન વિગેરેમાં પૂર્ણ તકેદારી રાખી રહી છે. વધુમાં આગેવાનોએ જણાવ્યું હતું કે વિશ્વભરમાં આ મહામારીના કેસો ફરી પાછા વધવા લાગ્યા અને વિવિધ રાષ્ટ્રોમાં પણ સંક્રમણ વધ્યું છે જે જોતા કોરોના અને એમિક્રોનના વાઇરસ વ્યાપ રાજ્યમાં વધુ ન ફેલાય તેની સંપૂર્ણ તકેદારી રાખીને અને આ મહામારીનું સંક્રમણ રાજ્યમાં વધે નહીં તેવા હેતુસર સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલએ સૌ નાગરિકના વિશાળ હિતમાં સર્વગ્રાહી સમીક્ષા કરી તા.૧૦ થી ૧૨ જાન્યુઆરી ૨૦૨૨ ના વાઈબ્રન્ટ ગ્લોબલ સમીટ હાલ પૂરતો મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.   માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમીટના આયોજન સંદર્ભે સતત માર્ગદર્શન અને પ્રેરણા આપી રહેલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીજીનો વિશેષ આભાર વ્યકત કર્યો હતો.

(2:55 pm IST)