Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર તાલુકાની શાળાઓમાં 4 વિદ્યાર્થીઓ અને 3 શિક્ષકો કોરોનાથી સંક્રમિત થતા વાલીઓમાં ચિંતા

આરોગ્‍ય વિભાગ દ્વારા તમામ વિદ્યાર્થીઓના ટેસ્‍ટની પ્રક્રિયા

Photo: 05

સાબરકાંઠાઃ ગુજરાતમાં આજે કોરોનાના 3350 કેસ સામે આવ્યા છે. તો ઓમિક્રોનના નવા 50 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે હિંમતનગર તાલુકામાં ચાર વિદ્યાર્થીઓ અને ત્રણ શિક્ષક કોરોનાથી સંક્રમિત થયા છે. ધોરણ સાત અને આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ થયા છે. રાજ્યમાં જે રીતે કેસ વધી રહ્યાં છે અને શાળાઓ ચાલી રહી છે, તે ચિંતાનો વિષય છે.

શિક્ષકો પણ કોરોનાથી સંક્રમિત

હિંમતનગરના દેરોલની પ્રાથમિક શાળાના બે શિક્ષકો કોરોના પોઝિટિવ આવ્યા છે. તો માથાસુલિયા પ્રાથમિક શાળાના એક શિક્ષક પણ સંક્રમિત થયા છે. આ સાથે ચાર વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દેરોલની શાળામાં કોરોના કેસ આવતા શિક્ષણ કાર્ય બંધ કરવામાં આવ્યું છે. હવે વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા તમામ વિદ્યાર્થીઓના ટેસ્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. દેરોલ પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 8માં 327 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે.

સાબરકાંઠા જિલ્લામાં 10 કેસ નોંધાયા

રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં સાબરકાંઠામાં 10 કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 3 લોકો સાજા થયા છે. સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસના 5723 કેસ નોંધાયા છે.

રાજ્યમાં ઓમિક્રોનના 50 કેસ

કોરોના સાથેરાજ્યમાં ઓમિક્રોનના કેસમાં પણ મોટો વધારો થયો છે. અમદાવાદ શહેરમાં ઓમિક્રોનના 34 કેસ સામે આવ્યા છે. આણંદમાં 3, ખેડામાં 4, વડોદરા શહેરમાં 5, સુરત શહેરમાં 3, કચ્છમાં એક વ્યક્તિ ઓમિક્રોનથી સંક્રમિત થયો છે. રાજ્યમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા 204 પર પહોંચી ગઈ છે. રાજ્યમાં અત્યાર સુધી 112 દર્દી ઓમિક્રોનને માત આપી ચુક્યા છે.

(4:42 pm IST)