Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

સુરતના સચિન વિસ્તારમાં પ્રિન્ટિંગ મિલ નજીક ટેન્કરમાંથી ગેસ લીકેજ થતા 6 કામદારોના શ્વાસ રૂંધાવાથી મોત

સુરત: સચિન વિસ્તારમાં આવેલી વિશ્વ પ્રેમ ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ મિલ પાસે ટેન્કરમાંથી ગેસ લીક ​​થવાને કારણે મિલના છ કામદારોના શ્વાસ રૂંધાવાથી મોત થયા છે જ્યારે 25થી વધુ લોકોની હાલત ગંભીર છે.

સચિન GIDCમાં રાજકમલ ચોકડી પ્લોટ નંબર- 362 બહાર પાર્ક કરેલા કેમિકલ ટેન્કરથી 8-10 મીટર દૂર જ તમામ મજૂરો સૂતા હતા. અચાનક જ ટેન્કરની ડ્રેનેજ પાઇપ લીક થતા ગેસ ફેલાયો હતો જેના કારણે સૂતેલા મજૂરો અને મિલના કારીગરો પર તેની અસર થઈ હતી. હાલ આ તમામ મજૂર સહિત મિલ કારીગરોને આજુબાજુની હોસ્પિટલો અને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

નવી સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ પર હાજર ઇન્ચાર્જ સુપ્રિટેનડેન્ટ ડૉક્ટર ઓમકાર ચૌધરીએ જણાવ્યું હતું કે, ઘટનાની ગંભીરતાને લઈ મેડિસિન, સર્જરી, એનેસ્થેસિયા સહિતના સિનિયર ડોક્ટરો અને રેસિડેન્ટ ડોક્ટરો તાત્કાલિક ટ્રોમાં સેન્ટરમાં દોડી આવ્યા હતા. એટલું જ નહીં પણ તમામ મેડિકલ ઑફિસરોને પણ બોલાવી લેવાયા હતા અને ખડે પગે તમામની સારવાર સાથે દાખલ કરાયા છે. ઇન્ચાર્જ સિવિલ સુપરિન્ટેન્ડન્ટ ધ્રુતી પરમાર પણ ટ્રોમાં સેન્ટરમાં દોડી આવ્યા હતા. તમામ મજૂરોને યોગ્ય સારવાર મળી રહે એ માટે તમામ સુવિધાઓની વ્યવસ્થા કરી દેવાઈ છે. હાલ પરિસ્થિતિ કાબૂમાં હોય એમ કહી શકાય છે. હાલ દાખલ કરાયેલા દર્દીઓમાં પણ ધ્યાન અપાઇ રહ્યું છે. ડોક્ટરો મૃતકઆંક હજુ ઉંચો ન જાય તે માટે શક્ય તેટલા પ્રયત્નો કરી રહ્યા છે.

(5:26 pm IST)