Gujarati News

Gujarati News

News of Thursday, 6th January 2022

કોરોનાના કેસો વધતા સ્કૂલો બંધ કરવાની માંગ:અમદાવાદ DEO કચેરીમાં NSUIનો PPE કિટ પહેરીને જોરદાર પ્રદર્શન

ઑફ લાઈન વર્ગો બંધ નહી થાય તો આંદોલનની ચીમકી: જિલ્લા શિક્ષણ અધિકારીને સોંપ્યું આવેદન

 અમદાવાદ :  શહેર સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. જેને જોતા કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIના કાર્યકર્તાઓ દ્વારા આજે શહેરની જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં (DEO)માં પીપીઈ કિટ પહેરીની પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થી નેતાઓએ ધોરણ 1 થી 8 સુધી સ્કૂલોમાં ઑફલાઈન વર્ગો બંધ કરાવીને ઓન લાઈન અભ્યાસ ફરીથી શરૂ કરવાની માંગ કરી રહ્યાં છે. જેને લઈને તેઓએ DEO કચેરીમાં આવેદન પણ સોંપ્યું હતું.

વિદ્યાર્થી નેતાઓનું કહેવું છે કે, દેશભરમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ચૂકી છે. નિષ્ણાંતો દ્વારા ત્રીજી લહેરમાં બાળકોને સંક્રમિત થવાની આશંકા વ્યક્ત કરી રહ્યાં છે. અમદાવાદની અનેક સ્કૂલોમાં અનેક બાળકો કોરોનાથી સંક્રમિત થયા છે, જે ચિંતાનો વિષય છે.

ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને હજુ સુધી વૅક્સિન આપવાનું શરૂ નથી કરવામાં આવી. દેશના અનેક રાજ્યો અને શહેરોમાં સંક્રમણની સ્થિતિને જોતા સ્કૂલ-કૉલેજ બંધ કરવામાં આવી રહ્યાં છે.

અમારી માંગ છે કે, ગુજરાત અને અમદાવાદમાં પણ તાત્કાલીક ધોરણ 1 થી 8 સુધીની સ્કૂલોમાં ઑફલાઈન વર્ગો બંધ કરવા જોઈએ. જો અમારી માંગ નહીં સ્વીકારવામાં આવે, તો અમે ઉગ્ર આંદોલન કરીશું.

(12:12 am IST)