Gujarati News

Gujarati News

News of Friday, 6th May 2022

સરદાર પટેલની કર્મભૂમિ 'રાસ' ગામને તાલુકાનો દરજ્જો અપાવવા માટે અભિયાન શતું : 30 ગામને થઇ શકે લાભ

અલગ સંભવિત તાલુકા પંચાયતની રચના માટે રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત રાસ ગામના પુર્વ સરપંચ ઠાકોરભાઈ પટેલ (વકીલ) સહિત પંથકના આગેવાનો દ્વારા વિશેષ અભિયાન શરૂ કરાયું

આણંદ જિલ્લાના ઐતિહાસિક રાસ ગામને તાલુકાનો દરજજો અપાવવા  માટે આગેવાનો પહેલ કરશે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ ઈતિહાસમાં બોરસદ તાલુકાના રાસ ગામનું વિશેષ યોગદાન નોંધાયેલું છે. તદ્ઉપરાંત રાષ્ટ્રપિતા પૂ. ગાંધીજીની દાંડીયાત્રા દરમિયાન રાસ ગામેથી સરદાર વલ્લભભાઈ પટેલની ધરપકડની ઘટના સંદર્ભે સ્વાતંત્રય સંગ્રામ ઈતિહાસમાં અંકિત થયેલ છે. હવે વર્તમાન સમયમાં સ્થાનિક આગેવાનો સહિત પંથકના વિવિધ આગેવાનો દ્વારા રાસને સંભવિત તાલુકા પંચાયતના વડા મથક તરીકે સ્વીકારી તાલુકાનો દરજજો અપાવવા માટે  વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. રાસ ગામને તાલુકા મથક બનાવવા તેમજ અલગ સંભવિત તાલુકા પંચાયતની રચના માટે રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત રાસ ગામના પુર્વ સરપંચ ઠાકોરભાઈ પટેલ (વકીલ) સહિત પંથકના આગેવાનો દ્વારા વિશેષ અભિયાન શરૂ કરાયું છે

બોરસદ તાલુકા પંચાયતના કાર્યક્ષેત્રમાં 65 ગામનો સમાવેશ થયો છે. તાલુકાના મહત્તમ ગામો બોરસદ તાલુકા મથકથી 20થી 25 કિલોમીટરના અંતરે આવેલાં છે. ૩૦થી 32 જેટલા ગામોને સંકલિત કરીને અલગ તાલુકા પંચાયત બનાવીને રાસને વડું મથક તરીકે સ્વીકારાય તો માત્ર 10થી 12 કિલોમીટરના અંતરે જ તાલુકા પંચાયત સંબંધિત વહીવટી કામગીરી સહિત રોજિંદા કામકાજમાં સરળતા રહે છે.

અલગ તાલુકા પંચાયતના વિશેષ અભિયાનના પ્રારંભરૂપે ૩૦ ઉપરાંત ગામોના સરપંચો, તાલુકા પંચાયત સભ્યો અને આગેવાનોને વિશેષ જાણકારી સમર્થનને સંભવિત લાભો અંગે માહિતી માટે આમંત્રિત કરવાનું પણ આગામી દિવસોમાં આયોજન કરાયું છે. આ અગાઉ નવ વર્ષ અગાઉ પણ રાસ ગામને અલગ તાલુકા મથકનો દરજ્જો આપવા માંગ ઉઠી હતી. પરંતુ સમય સંજોગોને લઈ રાસ ગામના આગેવાનોની આ માંગ માત્ર કાગળ ઉપર જ રહી જવા પામી હતી. ત્યારે વધુ એક વખત રાસ ગામને અલગ તાલુકાનો દરજ્જો આપવા માંગ ઉઠી છે. ત્યારે જોવું રહ્યું રાસ ગામના લોકોની લાગણી સાથે જોડાયેલ આ માંગણી ક્યારે પુરી થાય છે.

(9:21 pm IST)