Gujarati News

Gujarati News

News of Friday, 6th May 2022

અમદાવાદ:જુહાપુરાના અંબર ટાવર નજીક કામ કરતી ચાર મહિલાઓને કારમાં બેસાડી ઘરે મુકવા ગયેલ યુવાન પર એક મહિલાના પતિએ હુમલો કરતા પોલીસ ફરિયાદ

અમદાવાદ: જુહાપુરાના અંબર ટાવર પાસે ઇવેન્ટમાં કામ કરતી ચાર મહિલાઓને કારમાં બેસાડી મોડી રાત્રે ઘરે મુકવા ગયેલા યુવક પર ગુરુવારે હુમલો થયો હતો. એક મહિલાના પતિએ યુવકને રોકી 'તું મારી પત્નીને લઈ ક્યાં ફરે છે' તેમ કહી મારમાર્યો હતો. મહિલા વચ્ચે પડતા તેના સાસરિયાંએ તેને પણ મારમારી હતી. બનાવ અંગે મહિલાએ પોલીસને જાણ કરતા આરોપીઓ ભાગી ગયા હતા. વેજલપુર પોલીસે યુવકની ફરિયાદ આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વિશાલા સર્કલ પાસે અલમુકામ ફ્લેટમાં રહેતાં અને ફર્નિચરની દુકાનમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા અકબર બલસારાએ ચાર જણા વિરૂધ્ધ ફરિયાદ કરી છે  જે મુજબ અકબર ગત મોડી રાત્રે એક વાગ્યે રાણીપ ખાતે ઇવેન્ટ પુરી કરી તેની મિત્ર સહિત ચાર મહિલાને પોતાની કારમાં ઘરે ઉતારવા નીકળ્યો હતો. દરમિયાન અંબર ટાવર પાસે તેની મિત્રના પતિ સહિત બે જણાએ કાર રોકી હુમલો કર્યો હતો. અકબર પર મહિલાના પતિના મિત્રે છરી વડે હુમલો કર્યો તેમજ માથામાં પથ્થર માર્યો હતો. અકબરને મારવા માટે તેની મહિલાના મિત્રના પતિના પિતરાઈ ભાઈઓ પણ આવ્યા હતા. આરોપીઓએ મહિલાને પણ મારમારી હતી. બનાવને પગલે અકબરને ઇજાઓ થઈ હતી તેમજ તેની સોનાની ચેઇન પડી ખોવાઈ ગઈ હતી.

(6:02 pm IST)