Gujarati News

Gujarati News

News of Sunday, 6th June 2021

પોતાના શત્રુ પ્રત્યે પણ પ્રેમ રાખો જે તમને ગાળ દે છે તેને પણ આશીર્વાદ આપો અને જે તમારો તિરસ્કાર કરે છે તેની સાથે પણ શ્રેષ્ઠ વ્યવહાર કરો

જેવી રીતે ચળકાટ વગરના મોતીની કિંમત નથી, એવી રીતે જ સદાચાર, પ્રામાણિકતા, ક્ષમાશીલ વગરના મનુષ્યનું જીવન નકામું છે

અમદાવાદ :  બીજાના હૃદય ને દુઃખ થાય તેવી વાણી ન બોલવી. સાચું બોલવું, મીઠાશથી બોલવું. ધાર્મિક પુસ્તકોનું  અધ્યયન અને" હું કોણ  છું? આ તત્વનું  ચિંતન કરવું એ વાણીનું તપ છે. ચંદન કમળ કે જુહી એ બધાની સુગંધ કરતા ઉત્તમ વ્યક્તિત્વની સુગંધ વધારે શ્રેષ્ઠ છે. ઉત્તમ વ્યક્તિત્વ માટે આજે આપણે ૩ એવા મહત્વના મુદ્દાઓ વિશે ચર્ચા કરીશું. જેમાં એક છે પ્રામાણિકતા, ક્ષમાશીલ અને સદાચાર. ગુણો ધરાવતી વ્યક્તિ મરી જાય છે છતાં તેની સુગંધ મનુષ્યને સુગંધિત કરે છે.

(1) પ્રામાણિકતા
(2) ક્ષમાશીલ
(3) સદાચાર

(1) પ્રામાણિકતા

જેવી રીતે મકાન માટે છાપરા ની, અને કુવા માટે પાણીની ,દિપક માટે તેલની, ઉપદેશક માટે શ્રોતા ની, લેખક માટે લેખન ની જરૂર હોય છે તેવી રીતે મનુષ્ય માટે પ્રામાણિકતા ની જરૂર છે. પ્રામાણિકતા ની સાથે પરિશ્રમ કરીને મેળવેલ ધનમાં જે આનંદ છે .તેવો આનંદ છળ કપટથી મેળવેલ ધનમાં નથી. એમાં શંકા નથી કે છળ-કપટ દ્વારા ધન પ્રાપ્ત કરીને મનુષ્યનું મન ખુશ થાય છે. પોતાની સરળતા ઉપર ગર્વ કરે છે. પોતાની સફળતા ઉપર ગર્વ કરે છે. પરંતુ છેલ્લે તેને પસ્તાવાનો વખત આવે છે. આ વ્યક્તિના આલોક અને પરલોક બંને બગડે છે. તેનું આદર કે સન્માન રહેતું નથી. લોકો તેને તિરસ્કારની દૃષ્ટિએ જુએ છે.  જેવી રીતે શરીર માટે સ્વાસ્થ્યની જરૂર છે. તેવી જ રીતે આત્મા માટે પ્રમાણિકતાની જરૂર છે.

(2) ક્ષમાશીલ

બદલો લેવા કરતા ક્ષમા શ્રેષ્ઠ છે કારણકે ક્ષમા ઉત્તમ સ્વભાવનું  લક્ષણ છે. અને બદલો લેવાની ભાવના જંગલી સ્વભાવનું લક્ષણ છે. આજે આપણા જીવનમાંથી ક્ષમાશીલતા ઓછી થતી જાય છે. આજના યુવકો ગરમ મિજાજ વાળા હોય છે. તે કોઈનો એક શબ્દ પણ સાંભળી શકતા નથી. રસ્તામાં કોઈ ની સાઇકલ જરા અડી જાય તો ગુસ્સે થઈ જાય છે. માતા-પિતા દીકરાઓને કંઈ કહે એટલે ઘરે થી ભાગી જાય છે. પેપરમાં એવા ઘણા સમાચાર છપાયા કરે છે. ક્ષમાશીલ બનો ગુસ્સો કરશો નહીં. ગુસ્સાથી તો પોતાની જાતને જ હાનિ થાય છે. ગુસ્સો તો શરીરને નિર્બળ બનાવી દે છે. અને બુદ્ધિ ને બગાડે છે. ગુસ્સો કરવાથી જ્ઞાનતંતુઓ બળી જાય છે કોઈ સારું પરિણામ પણ મળતું નથી. ક્રોધ કરવાથી તૂટી ગયેલો અરીસો સંધાઈ જવાનો નથી. અને ઠોળાયેલું દૂધ પણ મળી જવાનું નથી. ઘણી વાર ગુસ્સામાં લોકો એવું પણ કરી બેસે છે કે તેને પાછળથી પસ્તાવો કરવો પડે છે. તેથી ક્ષમાશીલતા નો સ્વભાવ બનાવવો. ક્ષમા વિરો ની શોભા છે. તેથી ક્ષમાશીલ બનો. પરંતુ ગુરુ ગોવિંદજી ના શબ્દો ને સદા યાદ રાખો. જો કોઈ કમજોર મનુષ્ય તમારું અપમાન કરે તો તેને ક્ષમા કરો. કારણકે ક્ષમા એ જ વીરોની શોભા છે. પરંતુ જો અપમાન કરનાર બળવાન હોય તો તેને જરૂર દંડ આપશો.

(3) સદાચાર

જેવી રીતે સોના માટે ચમક અને ફૂલો માટે સુગંધની જરૂર રહે છે. તેવી રીતે જ મનુષ્ય માટે સદાચાર ની જરૂર છે ચંદન, કમળ કે જુહી એ બધાની સુગંધ કરતા સદાચારની સુગંધ વધારે શ્રેષ્ઠ છે. ચંદન માંથી સુગંધ નીકળે છે. તે થોડા સમય માટે હોય છે. સદાચારી ઓ ની સુગંધ તો દેવો સુધી પહોંચે છે. મનુષ્ય મરી જાય છે. છતાં તેની સુગંધ મનુષ્યને સુગંધિત બનાવ્યા કરે છે. સદાચારી વ્યક્તિ આકર્ષણનું કેન્દ્ર બની જાય છે. શત્રુઓ પણ સદાચારી ની પ્રશંસા કરે છે. સદાચારી ને બધી જગ્યાએ આદર અને માન મળે છે. જો કોઈ માણસ બળવાન વિદ્વાન અને પૈસા પાત્ર હોય પણ સદાચારી ન હોય. તો તે જીવતો છતાં મરેલો છે .માટે નિષ્પક્ષ અને સમદર્શી બનો. મધુર સ્વભાવ બનાવો કોઈ ઉદ્ધત વર્તન કરે તો પણ તેની સાથે ઉત્તમ વ્યવહાર રાખો. "જેવી રીતે ચળકાટ વગરના મોતી ની કિંમત નથી. એવી રીતે જ સદાચાર, પ્રામાણિકતા ,ક્ષમાશીલ વગરના મનુષ્યનું જીવન નકામું છે"

લેખિકા - દર્શના પટેલ (અમદાવાદ)

(10:41 am IST)