Gujarati News

Gujarati News

News of Sunday, 6th June 2021

માસ પ્રમોશન બાદ ધો.૧૧માં ક્યાંય વર્ગખંડ ખુટશે નહીં

શિક્ષણ બોર્ડના સેક્રેટરીની ખાતરી : સ્કૂલે ફી પરત કરવા મુદ્દે કોઈ નિર્ણય બોર્ડ દ્વારા કરાયો નથી

ગાંધીનગર, તા. ૬ : ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓનું કઈ રીતે પરિણામ તૈયાર કરવું તેની તાલીમ યોજાઇ. જેમાં ગુજરાતની તમામ સ્કૂલના શિક્ષકો, આચાર્ય અને વહીવટી કર્મચારીઓને તાલીમ આપવામાં આવી રહી છે. ય્જીઈમ્ની યુટ્યૂબ ચેનલ વંદે ગુજરાતની ચેનલ ૧ દ્વારા આ ઓનલાઈન તાલીમ શરૂ થઈ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડનાં અધિકારીઓ દ્વારા તમામ જરૂરી માહિતી આપવામાં આવી રહી છે કે, કેવી રીતે પરિણામ તૈયાર કરવું. જોકે, આ તાલીમમાં ધોરણ ૧૨ની માર્કશીટ અંગે કોઈ તાલીમ આપવામાં આવી નથી.

ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓને કોવિડના કારણે આપવામાં આવેલા માસ પ્રમોશન બાદ તેના પરિણામો બાબતે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. માધ્યમિક શિક્ષણ બોર્ડના અધિકારીઓએ ગઈકાલે બાયસેગના માધ્યમથી રાજ્યની તમામ શાળાઓના કર્મચારીઓ ને માહિતી આપી હતી. ગુણાંક બાબતે પણ ટ્રેનિંગમા માહિતી આપવામાં આવી હતી. ટ્રેનિંગમા ઉપસ્થિત રહેલા માધ્યમિક શિક્ષણ બોર્ડના સેક્રેટરી ડી એસ પટેલે આ બાબતે માહિતી આપતા કહ્યું હતું કે, ગુણાંક બાબતે શાળાના આચાર્યોના પ્રશ્નો બાબતે ટ્રેનિંગ આપવામાં આવી છે. જોકે, હાલ સ્કૂલે ફી પરત કરવા બાબતે કોઈ નિર્ણય બોર્ડ દ્વારા નથી કરવામાં આવ્યો. જ્યારે ધોરણ ૧૨ ની માર્કશીટ અંગે પણ હજુ કોઈ નિર્ણય નથી કર્યો.  તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન સામે વર્ગખંડોની ઉપલબ્ધતા બાબતે પણ બોર્ડના સેક્રેટરીએ કહ્યું હતું કે, નવી શાળાઓને મંજૂરી અપાઈ રહી છે. કુલ ૨૮૬ શાળાઓની અરજીમાંથી ૧૦ અરજી ધોરણ ૧૧ માટે છે. ધોરણ ૧૧ માં કોઈ વર્ગખંડ ખૂટશે નહિ.

રાજ્યમાં ધોરણ ૩ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે આવતીકાલે ૭ જૂનથી ઓનલાઇન શિક્ષણ કાર્ય શરૂ થશે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર કરીને શાળાઓમાં ઓનલાઇન શિક્ષણ જ આપવાનું રહેશે તેવુ કહેવાયુ છે. રાજ્ય સરકારની સૂચના ન મળે ત્યાં સુધી શાળાએ બાળકોને કે વિદ્યાર્થીઓને બોલાવવાના રહેશે નહિ તેવો સ્પષ્ટ આદેશ કરવામાં આવ્યો છે.

(8:03 pm IST)