Gujarati News

Gujarati News

News of Sunday, 6th June 2021

નારોલ- વટવા રોડ પરની AIM સ્કૂલમાં નાગરિકોનો હોબાળો : વેક્સીન સ્લોટ ફાળવ્યો 9 વાગ્યાનો પણ સેન્ટર ખુલ્યું 10 વાગ્યે

ચીફ મેડિકલ ઓફીસર ડો. ભાવિન સોંલકી સમક્ષ સેન્ટરો પર મોનીટરીંગ ગોઠવવા માટેની રજૂઆત

ગાંધીનગર: સંભવિત કોરોનાની ત્રીજી લહેર પહેલાં સૌથી વધુ લોકો વેકસીન લઇ લે તે માટે સરકાર દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. તેના માટે દરેક સેન્ટરો પર સવારના 9 વાગ્યાથી સ્લોટ ફાળવવામાં આવે છે પરંતુ દુખની વાત તો એ છે કે સેન્ટરો પરનો સ્ટાફ 10 વાગ્યે આવે છે. આ અંગેની ફરિયાદ સાંભળવા માટે પણ કોઇ અધિકારી હાજર નહીં હોતા હોવાની ફરિયાદ ઉઠી છે. આ અંગે ગ્રાહક સુરક્ષા, ગ્રાહક સત્યાગ્રહ- ગ્રાહક ક્રાંતિ દ્વારા અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ચીફ મેડિકલ ઓફીસર ડો. ભાવિન સોંલકી સમક્ષ સેન્ટરો પર મોનીટરીંગ ગોઠવવા માટેની રજૂઆત કરી છે.

આ અંગે ગ્રાહક સુરક્ષા- ગ્રાહક સત્યાગ્રહ- ગ્રાહક ક્રાંતિના પ્રમુખ સુચિત્રા પાલે જણાવ્યું છે કે, કોરોના મહામારી દરમિયાન સરકાર અને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરના અનેક સ્થળોએ વેકસિન સેન્ટરો ખોલવામાં આવ્યા છે. વેક્સિન લેવા માટે સરકાર ઓનલાઇન બુકીંગની સુવિધા પણ શરૂ કરી છે. ઓનલાઇન બુકીંગમાં લોકોને વેક્સિન માટેની તારીખ, જગ્યા અને સમય આપવામાં આવે છે. પરંતુ જે સમય ફાળવવામાં આવે છે તે સમયમાં વેકિસન સેન્ટર ખોલવામાં આવતાં નથી. આવી અનેક ફરિયાદ અમોને મળી છે.

 

તેમણે નારોલ- વટવા રોડ પરની AIM સ્કૂલમાં વેક્સિન સેન્ટર ખોલવામાં આવ્યા છે. ઓનલાઇન બુકીંગમાં વેક્સિન લેવાનો સમય સવારે 9થી આપવામાં આવે છે. વેક્સિન લગાવવાનો સમય સવારે 9 વાગ્યાથી આપ્યો હોવા છતાં વેક્સિન સેન્ટર સમયસર ખોલતાં નથી. દરરોજ એક કલાક મોડે મતલબ કે સવારે 10 વાગ્યે ખોલવામાં આવે છે. જેના કારણે નાગરિકોને હેરાન પરેશાન થવું પડે છે. નાગરિકો માટે કોઇ સુવિધા નહીં હોવાથી તેમને તડકામાં તેમ જ બેસવા માટે ખુરશી નથી કે પીવાના પાણીની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવતી નથી.

તેમણે વધુમાં કહ્યું કે, 6ઠ્ઠી જૂનના રોજ આવેલી ફરિયાદ મુજબ નારોલ- વટવા રોડ પરની AIM સ્કૂલમાં વેક્સિન લેવા આવેલા નાગરિકોએ સહીઓ કરીને લેખિત ફરિયાદ કરી હતી. પણ અર્બન સેન્ટરના મેડિકલ ઓફીસર ડો. પીનાકીન સાવલીયા ત્યાં સેન્ટર પર હાજર ન હતી. અને તેમનો ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો. આમ અધિકારી તથા કર્મચારીઓ દ્વારા લાપરવાહી દાખવવામાં આવે છે. જેથી સેન્ટરો પરનુ સતત મોનીટરીંગ થવું જોઇએ. તેમ જ જવાબદારો સામે કાર્યવાહી કરવા માટે માંગણી કરી છે

(8:52 pm IST)