Gujarati News

Gujarati News

News of Sunday, 6th June 2021

ક્રિકેટ રમતા બાળકનું છાતીમાં ભાલો ઘૂસી જતાં કરૂણ મોત

અમદાવાદનો માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો :બોલ લેવા મંદિરનો ગેટ કૂદી અંદર ગયો પણ પગ લપસતા દરવાજાનો ભાલો છાતીમાં ઘૂસી ગયો અને મૃત્યુ થયું હતુ

અમદાવાદ, તા. ૬ : માતા પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો અમદાવાદ શહેરમાં બન્યો છે. બાળક જો રમવા જાય છે તો તેનું ધ્યાન રાખવું જરૂરી બન્યું છે. આવું એટલે કહેવું પડે છે કારણ કે થલતેજ ગામમાં એક દુઃખદ ઘટના બની છે. એક બાળક તેના મીત્રો સાથે ક્રિકેટ રમતો હતો ત્યારે દડો મંદિરમાં જતા તે લેવા ગયો હતો. બોલ લેવા તે દરવાજો કૂદીને અંદર ગયો પણ પગ લપસતા દરવાજાનો ભાલો છાતીમાં ઘૂસી ગયો અને નાના ભૂલકાનું મૃત્યુ થયું હતું.

શહેરના થલતેજ ગામના મોટા ઠાકોર વાસના ખોડિયાર વાસમાં રહેતા નાગજીભાઈ ઠાકોર રીક્ષા ચલાવી ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. અહીં માંડવરાય મહાદેવનું મંદિર આવેલું છે. આ જ મંદિરની સામે રહેતો નાગજીભાઈ નો ૧૨ વર્ષનો પુત્ર હર્ષ ઠાકોર શનિવારે રમતો હતો.

ક્રિકેટ રમતા રમતા બોલ મંદિરના પાછળના દરવાજા થી અંદર જતા તે લેવા ગયો હતો. આ દરવાજા પર તીક્ષ્ણ ભાલા લગાવેલા હતા. દરવાજો કૂદીને તે અંદર ગયો અને આવતા પગ લપસ્યો અને તે ભાલા લગાવેલી જાળીમાં સપડાતા છાતીમાં આ ભાલો ઘુસી ગયો હતો. સ્થળ પર જ લોહીલુહાણ હાલતમાં તે સપડાયો હતો. પરિવારને જાણ થતા પરિવારજનો દોડી આવ્યા. ભાલો કાઢી હર્ષને ત્યાંથી કાઢવામાં આવ્યો અને હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હોવાનું સોલા પીઆઇ જે પી જાડેજા એ જણાવ્યું છે. પોલીસને જાણ કરાતા પોલીસે તપાસ શરૂ કરી હતી. બીજી તરફ હર્ષના મૃત્યુ ને લઈને સમગ્ર પરિવાર શોકમાં ઘરકાવ થઈ ગયો છે. જોકે પરિવાર હાલ કઈ બોલી શકવાની હાલતમાં નથી કારણકે તેમણે તેમનો નાનો બાળક ગુમાવ્યો છે. પણ પરિવારજનો ચોક્કસ કહી રહ્યા છે કે તેઓએ તેમનું બાળક ગુમાવ્યું પણ તમામ વાલીઓએ તેમના બાળક રમવા જાય તો તેનું ધ્યાન રાખવું જરૂરી છે.

(9:35 pm IST)