Gujarati News

Gujarati News

News of Sunday, 6th June 2021

અમદાવાદ ગ્રામ્ય ક્રાઇમ બ્રાન્ચે ઘરફોડ ચોરી કરતી કુખ્યાત ચીખલીકર ગેંગના ત્રણ સાગરીતો ઝડપ્યા

રાત્રી સમયે રેકી કરી ઘરફોડ ચોરી ગુનાને અંજામ આપતાં :બે આરોપી જમાઈ અને સસરા

અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઘરફોડ ચોરી કરવાના ગુનામાં કુખ્યાત ગેંગના ત્રણ સાગરીતોને ઝડપી પાડયા છે. આ પકડાયેલા ત્રણેય શખ્સો જિમ ટ્રેનર તરીકે કામ કરતા અને રાત્રી દરમિયાન ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપતા હતા. આ અગાઉ પણ ઘરફોડ ચોરીના કેસોમાં આરોપીઓ પકડાઇ ચૂક્યા છે.

અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપેલા આ ત્રણે ચીખલીકર ગેંગના સાગરિતો છે.જેમાંથી મુખ્ય સૂત્રધાર જશપાલસિંહ ઉર્ફે પ્રધાન સિંઘ સરદાર પોતાના અન્ય બે સાગરીતો સાથે ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપતો હતો.જ્યારે અન્ય બે શખ્સો મહેન્દ્રસિંહ સરદાર અને ગબ્બર સિંહ સરદાર અગાઉ પણ ઘરફોડ ચોરીના ગુનામાં પકડાઇ ચૂક્યા છે.

આ પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યુ છે કે તાજેતરમાં જ અમદાવાદના બોપલ વિસ્તારમાં થયેલી ચોરીના ગુનાને આ ત્રણેય આરોપીઓ ભેગા મળી અંજામ આપ્યો હતો. જોકે પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે આરોપીઓ પાસેથી રૂપિયા 1.61 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. આ આરોપીઓની મોડેસ ઓપરેન્ડીની વાત કરીએ તો રાત્રી સમયે રેકી કરી ઘરફોડ ચોરી ગુનાને અંજામ આપતાં હોય છે. જેમાં આરોપી જશપાલસિંહ પ્રધાન અને સિંહ જિમ ટ્રેનર તરીકે બોપલ વિસ્તારમાં જ નોકરી કરતા હતાં જેથી બોપલ વિસ્તારમા ચોરી કરી હતી

પોલીસ દ્વારા ઝડપાયેલા આરોપીની પૂછપરછમા સામે આવ્યુ કે બે આરોપી જમાઈ અને સસરા છે. જે એકાદ વર્ષ પહેલા આરોપી બોપલમા જીમ ટ્રેનર તરીકે કામે લાગ્યા હતા પરંતુ લોકડાઉનમાં જીમ બંધ થઈ જતાં ફરી એક વખત જશપાલસિંહ અને ગબ્બર પોતાની ટોળકી સાથે ઘરફોડ ચોરી કરવાના રવાડે ચડયા હતા.

(10:31 pm IST)