Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

ઘરેણાંના વારંવાર રજિસ્ટ્રેશનથી વેઇટીંગ લીસ્ટ લાંબુ : ગ્રાહકોને મહિનાઓ સુધી તેમના ઘરેણાં નહિ મળી શકે

HUIDના નિયમે નાના સુવર્ણકારોને મરણતોલ ફટકો મારીને તેમનો એકડો કાઢી નાંખવાનું કામ કર્યું ; અર્જુન મોઢવાડીયા

અમદાવાદ :હોલમાર્કિંગ યુનિ આઈડી ( HUID )થી જવેલર્સને ભારે હાલાકી પડી રહી હોવાનું જણાવતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું છે કે, હોલમાર્કનો કાયદો ગ્રાહકોને સોનાની ખરીદીમાં છેતરપીંડીનો ભોગ બનતાં અટકાવવા માટે જરૂર છે. પરંતુ વર્તમાન ભાજપ સરકારે HUID ફરજિયાતનો નિયમ ઉમેરી દરેક ઘર, પરિવારનો હિસ્સો રહેલાં નાના પરંપરાગત સોની કામ કરતાં સુવર્ણકારોને મરણતોલ ફટકો મારીને તેમનો એકડો કાઢી નાંખવાનું કામ કર્યું છે.

તેમણે કહ્યું કે, નવા નિયમ મુજબ જવેલરે પહેલેથી જ ઘરેણાંની ડિઝાઇનનું રજિસ્ટ્રેશન કરાવી HUID મેળવી લેવાનો રહે છે. પછી ગ્રાહકોની જરૂરિયાત મુજબ તેમાં કોઇ સામાન્ય ફેરફાર કરવાનો થાય તો પણ ફરી રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. ગ્રાહકોની પસંદ મુજબ ઘરેણાંનો ડિઝાઇન તૈયાર થાય છે. તેમાંય ગ્રાહકો એકવાર ફાઇનલ કરેલ ડિઝાઇનમાં પણ ફેરફાર કરાવતાં હોય છે.

આવી સ્થિતિમાં કેટલીક વખત રજિસ્ટ્રેશન કરાવવાનું ? તેમજ એક જ વેબસાઇટ પર આખા દેશમાં જવેલર્સ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે. એવામાં એક ઘરેણાંના વારંવાર રજિસ્ટ્રેશનથી વેઇટીંગ લીસ્ટ લાંબુ થતું જાય છે. એટલે ગ્રાહકોને મહિનાઓ સુધી તેમના ઘરેણાં મળી શકતા નથી.

સૌથી મોટો માર નાના જવેલર્સ ઉપર પડી રહ્યો છે. તેમના માટે HUID પ્રક્રિયા માટે નવો ટેકનીકલ સ્ટાફ રાખવો પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. જે તેમને પોષાય તેમ નથી. બીજીબાજુ સરવાળે બધાં ખર્ચાનો બોજ પણ ગ્રાહકો ઉપર જ આવવાનો છે. જેના કારણે ઘરેણાંઓ મેકીંગ ખર્ચ વધશે.

તેમણે ઉમેર્યું કે, ખાસ કરીને નાના સુવર્ણકારો સહિત સમગ્ર જવેલરી ઉદ્યોગ કોવિડ 19 અને લોકડાઉનના કારણે ઇતિહાસની સૌથી મોટી મહામંદીનો સામનો કરી રહ્યો છે. ત્યારે રાહતો આપીને ઉદ્યોગોને ફરી બેઠો કરવાની જગ્યાએ ભાજપ સરકાર જટીલ કાયદાઓ રૂપી હથોડા ઝીંકીને જવેલરી ઉદ્યોગને તોડી પાડવાનું ષડયંત્ર રચી રહી છે.

(9:39 pm IST)