Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

ગુજરાત હાઇકોર્ટે મુદ્દામાલ તરીકે જપ્ત કરાયેલી 3 ભેંસકબ્જો માલિકને સોંપ્યો

અરજદારને સિક્યોરિટી પેટે 60 હજાર ટ્રાયલ કોર્ટ સમક્ષ જમા કરાવવાનો આદેશ

અમદાવાદ: સામાન્ય રીતે વાહન અને ગુનામાં ઉપયોગ કરાયેલી વસ્તુઓ પોલીસ અથવા તપાસ અધિકારી દ્વારા મુદ્દામાલ તરીકે જપ્ત કરાઈ છે પરંતુ ગુજરાત હાઈકોર્ટમાં આવેલા કિસ્સામાં અરજદાર મુદ્દામાલ તરીકે જપ્ત કરાયેલી 3 ભેંસ છોડાવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે.ગુજરાત હાઈકોર્ટે પેટલાદના રણછોડજી મંદિર પાંજરાપોળને અરજદારની ત્રણ ભેંસ છોડી મુકવાનો આદેશ કર્યો છે. હાઇકોર્ટે અરજદાર યાસીનખાં પઠાણને સિક્યોરિટી પેટે 60 હજાર રૂપિયા ટ્રાયલ કોર્ટ સમક્ષ જમા કરાવવાનો આદેશ કર્યો છે જ્યારે મેન્ટેનન્સના ભાગરૂપે પાંજરાપોળને 20 હજાર રૂપિયા ચૂકવવાનો અરજદારને નિર્દેશ કર્યો છે. હાઈકોર્ટે વધુમાં નિર્દેશ કર્યો કે જો તપાસ અધિકારીને આ કેસમાં વિડીયો કે ફોટોગ્રાફી રેકોર્ડ કરવાની જરૂર પડે તો કરે અને આ સમગ્ર ખર્ચ અરજદારને ભોગવવાનો રહેશે.

હાઈકોર્ટે પોતાના અવલોકનમાં નોંધ્યું કે અરજદાર 3 ભેંસનો માલિક છે અને તેનાથી તેમના પરિવારનું ગુજરાન ચાલે છે. અરજદાર મેન્ટનેન્સના 20 હજાર રૂપિયા ચૂકવવા તૈયાર હોવાથી 3 ભેંસ તેમને સોંપવામાં આવે. જોકે અરજદાર પ્રાણીઓ પાસે કોઈપણ પ્રકારની ક્રૂરતા આચરશે નહિ તેવી પણ બહેંધરી આપી હતી.

અરજદારના વકીલ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે અરજદાર 3 ભેંસનો માલિક છે અને તેના દૂધનું વેચાણ કજીપૂરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં કરે છે. આ અંગેના પુરાવવા પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.અરજદાર દૂધ વેચીને પોતાની રોજી રોટી ચલાવે છે. અરજદારની એક ભેંસ પાંજરાપોળમાં મૃત્યુ પામી છે જેથી ભેંસનો કબજો તેમને સોંપવામાં આવે.

આ સમગ્ર કેસની વિગત એવી છે કે આણંદ જિલ્લામાં આવેલા ધુળેટી ગામ પાસે પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે એક યુવક બોલેરો કાર લઈને આવ્યો જેની ચેકીંગ કરતા ભેંસના પગ અને મો દોરડાથી બાંધેલી અવસ્થામાં મળી આવ્યા હતા. ત્યાર બાદ ગાડીના ચાલક મન્સુર અલીને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે સંતોષકારક જવાબ ન આપતા કતલખાને લઈ જવાને ઈરાદા પ્રમાણે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને આ સાથે કાર અને ભેંસને પણ મુદ્દામાલ તરીકે કબજે કરાઈ હતી.

(11:47 pm IST)