Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશનના સ્‍કૂલ બોર્ડની બેવડી નીતિઃ વિદ્યાર્થીઓ મળતા નથી તેમ કહીને ભાડાના મકાનોમાં સ્‍કૂલો બંધ કરાવીને બીજી તરફ નવી સ્‍કૂલ ઇમારતોનું નિર્માણ

અમદાવાદ : શહેર મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કૂલ બોર્ડની બેવડી નીતિ સામે આવી રહી છે. એક તરફ અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓ મળતા નથી તેમ કહીને ભાડાના મકાનમાં ચાલતી સ્કૂલો બંધ કરાઈ રહી છે. જ્યારે બીજી તરફ નવી સ્કૂલોની ઈમારત ઊભી કરવામાં આવી રહી છે. આ વચ્ચે સ્કૂલની નવી ઇમારત ન ઉભી થાય તે પહેલાં બાળકોને ભણાવવા માટે ફેબ્રિકેટર ક્લાસ રૂમ બનાવી દેવાય છે. જેની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરાય છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વસ્ત્રાલ વોર્ડમાં એક neighborhood માટેના રિઝર્વ પ્લોટમાં બાળકો માટે 1.20 કરોડના ખર્ચે કાચા ઓરડા બનાવ્યાં હતાં. જ્યાં બેસીને બાળકોને ભણાવવાનું દાવો કરાઈ રહ્યો છે. પરંતુ નવી સ્કૂલની ઈમારત ઊભી થઈ જાય તેટલા ખર્ચમાં કાચા અને ટેમ્પરરી ઓરડા બનાવ્યાં છે તેનું ગણિત કંઈ સમજાતું નથી.

સ્કૂલ બોર્ડ શહેરમાં જૂની જર્જરિત મ્યુનિસિપાલિટી સ્કૂલોને ભયજનક ઘોષિત કરાય છે. પછી ત્યાં નવી ઇમારત ઊભી કરવાની દરખાસ્ત મંજૂર કરાય છે. જ્યારે કેટલાંક કિસ્સામાં નવા વિસ્તારો માટે પણ ગ્રાન્ટ મંજૂર કરાઇ છે પણ મહત્વની વાત એ છે કે, અહીં એક સ્કૂલની નવી ઇમારત ઊભી થાય તે પહેલાં વસ્ત્રાલની ટીપી સ્કીમ નંબર 105 મંજૂર કરાઇ હતી. જ્યાં પહેલાં પાંચ પ્રી ફેબ્રિકકેટેડ ક્લાસરૂમના રૂપિયા 34.20 લાખના ખર્ચે, 8 ફેબ્રિકેટેડ ક્લાસરૂમ 54.72 લાખના ખર્ચે અને 7 ફેબ્રિકેટેડ ક્લાસરૂમ 47.88 કરોડના ખર્ચે બાંધવામાં આવ્યાં હતાં.

જો કે અહીં પ્રશ્ન એ છે કે જ્યારે સ્કૂલની ઈમારત બની જ રહી હતી તો પછી તેની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કેમ કરવામાં આવી રહ્યો છે? દાણીલીમડામાં 1 સ્કૂલ તોડી પાડી હતી અને પાંચ વર્ષથી નવી સ્કૂલ ઉભી કરાઈ રહી નથી. ત્યારે એવામાં આ સ્કૂલના બાળકોને આસપાસની સ્કૂલમાં ટ્રાન્સફર કર્યાં હતાં. કેટલાંક બાળકોએ તો સ્કૂલ દૂર હોવાંથી ભણવાનું પણ છોડી દીધું હતું તેવી ફરિયાદો સ્થાનિક આગેવાનોએ કરી હતી. તેમ છતાં ત્યાં કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હોતી. જ્યારે વસ્ત્રાલમાં કરોડોનાં ખર્ચે ટેમ્પરરી સ્કૂલ ઊભી કરવામાં આવી હતી. ત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે કે પ્રી ફેબ્રિકેટેડ ઓરડા બનાવવાના ધારાધોરણો કેવી રીતે નક્કી થાય છે?

(5:07 pm IST)