Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

અમદાવાદ કોર્પોરેશનના પૂર્વ વિપક્ષી નેતા દિનેશ શર્માના સમર્થકો દ્વારા વિરોધ પ્રદર્શનઃ નવી નિમણુંક સામે વિરોધઃ પોલીસ દ્વારા અટકાયત

અમદાવાદ: શહેર મ્યુ. કોર્પોરેશનના પૂર્વ વિપક્ષી નેતા દિનેશ શર્માના સમર્થકોએ આજે શહેરમાં વિરોધ પ્રદર્શનો શરૂ કર્યા છે. નોંધનીય છે કે, AMCના વિપક્ષી પદના નેતા તરીકે કમળાબેન ચાવડાની નિમણૂંક કરવામાં આવી છે. ત્યારે તેમની નિમણૂંકથી કોંગ્રેસમાં કકળાટ ઊભો થયો છે. વિપક્ષી નેતાના પદે કમળાબેનની નિમણૂંક થતા આજે શહેરમાં દિનેશ શર્માના સમર્થકો ઠેર-ઠેર દેખાવો કરી રહ્યાં છે. બાપુનગર, સરસપુર અને અસારવા સહિતના પૂર્વ વિસ્તારોમાં દિનેશ શર્માના સમર્થકોએ દેખાવો શરૂ કર્યા છે. જો કે પોલીસે તેમના સમર્થકોની અટકાયત કરી છે.

AMCના વિપક્ષના નેતા પદે બહેરામપુરાના કોર્પોરેટરની નિમણૂંક

અત્રે ઉલ્લેખનીય છે કે, AMCના વિપક્ષના નેતા પદે બહેરામપુરાના કોર્પોરેટરની કમળાબેન ચાવડાની નિમણૂંક કરાઈ છે. પરંતુ કમળાબેનની નિમણૂંકથી કોંગ્રસમાં આંતરિક વિવાદ સર્જાયો છે. જો કે સાથે એ પણ સાબિત થઇ રહ્યું છે કે, કોંગ્રેસમાં પણ અંદરોઅંદર ડખા છે. વિપક્ષી નેતાની નિમણૂંક બાદ આ આંતરિક વિવાદ ચરમ સીમાએ પહોંચી ગયો છે. પૂર્વ વિપક્ષી નેતા દિનેશ શર્માના સમર્થકોએ ઠેર-ઠેર વિરોધ પ્રદર્શનો શરૂ કર્યા છે.

દિનેશ શર્માના સમર્થકો-ટેકેદારોએ શહેરના પૂર્વના બાપુનગર, અસારવા, સરસપુર, રખિયાલ, મેઘાણીનગર, મેમ્કો સહિતના વિસ્તારોમાં પ્રદર્શનો શરૂ કરતા પોલીસે તેમની અટકાયત કરી છે. જો કે આ મામલે પૂર્વ વિપક્ષી નેતા દિનેશ શર્માએ નિવેદન આપતા જણાવ્યું કે, ‘હું કાર્યકરોનો અવાજ બનીને રજૂઆત કરીશ. સમય આવશે ત્યારે હું ખુલીને બહાર આવીશ. પાર્ટીનો નાનો કાર્યકર આજે મજબૂર છે.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના જૂથબંધીના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ વિપક્ષના નેતા દિનેશ શર્માને કાર્યકાળ પૂર્ણ થતા પહેલા રાજીનામું આપવું પડ્યું હતું. તેઓ અંગત કારણસર રાજીનામું આપી રહ્યાં છે તેમ તેમને જણાવ્યું હતું. પરંતુ તેમના રાજીનામા પાછળ કોંગ્રેસનાં બે ધારાસભ્યો હિંમતસિંહ પટેલ તથા શૈલેષ પરમારની માંગણી હોવાની વાતો જોરશોરથી ચર્ચાઇ હતી.

ગુજરાત એક્સક્લૂઝિવના એક અહેવાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા તકીકે ત્રણ નામોનું ઉલ્લેખ કરવામાં આવ્યું હતું. જેમાં બહેરામપુરાના કોર્પોરેટર કમળાબેન ચાવડા પણ હતા. તે સિવાય અમરાઇવાડીના કાઉન્સિલર બળદેવ દેસાઇ તથા વિરાટનગર વોર્ડના કાઉન્સિલર રણજીતસીંહ બારડના નામો ચર્ચામાં આવ્યાં હતાં.

(5:10 pm IST)