Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

કટોસણ રોડ-બહુચરાજી-ચાણસ્મા-રણુજ રેલ્વે લાઇન પ્રોજેક્ટને રૂ.૭૮૭ કરોડના ખર્ચે ગેઝ કન્વર્ઝન કરાશે : નીતિનભાઇ પટેલ

ઉત્તર ગુજરાતના રેલ્વે યાત્રીઓની સુવિધા વધશે :પ્રથમ તબક્કામાં કટોસણ રોડ-બહુચરાજીના ૨૭.૫ કિ.મી. ને આવરી લેવાશે

અમદાવાદ : નાયબ મુખ્‍યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્‍યુ છે કે, ઉત્તર ગુજરાતના રેલ્વે યાત્રીઓની સુવિધામાં વધારો કરવા માટે કટોસણ રોડ-બહુચરાજી-ચાણસ્મા-રણુજ રેલ્વે લાઇન પ્રોજેક્ટને રૂ.૭૮૭ કરોડના ખર્ચે ગેઝ કન્વર્ઝન કરાશે.
 તેમણે ઉમેર્યુ કે, આ રેલ્વે લાઇનના ૬૫ કિ.મી. ના ગેઝ કન્વર્ઝનના પ્રોજેક્ટના અમલીકરણ માટે બહુચરાજી રેલ કોર્પોરેશન લી. ની રચના કરવામાં આવી છે. અંદાજીત રૂ. ૭૮૭ કરોડના ખર્ચે આ પ્રોજેક્ટનું નિર્માણ કરાશે. જેમાં પ્રથમ તબક્કામાં કટોસણ રોડ-બહુચરાજીના ૨૭.૫ કિ.મી. ને આવરી લેવાશે. જેની અંદાજીત પ્રોજેક્ટ કિંમત રૂ. ૩૭૫ કરોડ મંજૂર કરવામાં આવી છે. રેલ મંત્રાલય દ્વારા બંને તબક્કાની પ્રોજેક્ટની કુલ કિંમત રૂ. ૭૮૭ કરોડ અને સુધારેલ શેર હોલ્ડીંગ પેટર્નમાં જી-રાઇડના ૪૫ %, જીઆઇડીસીના ૨૯ % અને મારૂતિ સુઝુકીના ૨૬ % ને મંજૂરી આપવામાં આવી છે.
 તેમણે ઉમેર્યુ કે, આ નવીન પ્રોજેક્ટના નિર્માણ થકી મહેસાણા અને પાટણ જિલ્લાના યાત્રીઓને મળતી રેલ સુવિધામાં તેમજ માલસામાનના પરિવહનની સુવિધામાં પણ વધારો થશે અને આ વિસ્તારનો ઔદ્યોગિક વિકાસ મોટા પ્રમાણમાં વધશે જેના કારણે ધંધા-રોજગારમાં પણ મોટી વૃધ્ધિ થશે.

(6:05 pm IST)