Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

હાર્દિક પટેલને મોટી રાહત :11 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી ગુજરાત બહાર જવાની હાઇકોર્ટે પરવાનગી આપી

ગુજરાત બહાર જવા દેવાની માંગ સાથે દાખલ કરાયેલી અરજી ગુજરાત હાઈકોર્ટે આંશિક રીતે માન્ય રાખી

અમદાવાદ : કોંગ્રેસના કાર્યકારી ચેરમેન હાર્દિક પટેલે ગુજરાત  બહાર જવા દેવાની માંગ સાથે દાખલ કરાયેલી અરજી ગુજરાત હાઈકોર્ટે આંશિક રીતે માન્ય રાખી છે. કોર્ટે મર્યાદિત સમય માટે હાર્દિક પટેલ  ગુજરાત બહાર જવાની મંજૂરી આપી છે. હાઇકોર્ટે 11મી નવેમ્બર થી 2 ડિસેમ્બર સુધી હાર્દિકને ગુજરાત બહાર જવાની મંજૂરી આપી છે.

રાજ્ય સરકાર તરફથી રજૂ કરેલા સોગંધનામામાં કહેવામાં આવ્યું છે કે હાર્દિક પટેલને કોર્ટ માટે માન નથી અને સુનાવણી દરમિયાન ગૈરહાજર રહે છે. પોલીસ અરેસ્ટ વોરન્ટની બજવણી કરવા ગઇ ત્યારે પણ હાર્દિક ઘરે મળ્યો નહીં અને સરનામા પર કોઇ અન્ય વ્યક્તિ પાંચ મહિનાથી રહેતા હોવાનુ પોલીસને જાણ થઇ હતી.

હાર્દિક પટેલે અમદાવાદ સેશન્સ કોર્ટના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હાર્દિકે રાજદ્રોહ કેસની જામીનની શરતમાં છૂટ મેળવવા માટે અરજી દાખલ કરી હતી.

હાર્દિક પટેલ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં રજુઆત કરવામાં આવી છે કે તેમને 12 સપ્તાહ સુધી ગુજરાત બહાર જવા મંજૂરી આપવામાં આવે. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં તેની પાર્ટીના પ્રચાર માટે હાર્દિક પટેલ ગુજરાત બહાર જવા માંગે છે. વળી તેની સામે સુપ્રીમ કોર્ટમાં પણ ઘણા કેસ પેન્ડિંગ છે અને તેના માટે વકીલોનું માર્ગદશન જરૂરી હોવાથી અવાર-નવાર દિલ્હી જવાની જરૂર પડે છે.

અમદાવાદ સેશન્સ કોર્ટે હાર્દિકની ગુજરાત બહાર જવા દેવાની માંગ કરતી અરજી ફગાવી દીધી હતી. રાજ્ય સરકાર દ્વારા હાર્દિક પટેલ સામે લાદવામાં આવેલા રાજદ્રોહ કેસમાં જામીન આપતી વખતે કોર્ટે હાર્દિકને ગુજરાત બહાર ન જવાની શરતે જામીન મંજુર કર્યા હતા. આ શરતમાં હંગામી ધોરણે રાહત મેળવવા માટે હાર્દિકે હાઈકોર્ટમાં અરજી કરી છે.

અમદાવાદ સીટી સિવિલ અને સેશન્સ કોર્ટે હાર્દિક પટેલની જામીનની શરતમાં છૂટ આપવાનો ઇનકાર કરતા જણાવાયું હતું કે હાર્દિકના રેકોર્ડને ધ્યાને લેતા માલુમ થાય છે કે કોર્ટની કાર્યાવહીમાં વિલંબ કરવા માંગે છે, આવી સ્થિતિમાં તેને ગુજરાત બહાર જવા દેવાની મંજૂરી આપી શકાય નહિ. અમદાવાદ સેશન્સ કોર્ટમાં હાર્દિકની જામીનની શરતમાં ફેરફારની માંગ કરતી અરજીનો વિરોધ કરતા સરકારી વકીલે દલીલ કરી હતી કે હાર્દિક રાજદ્રોહ કેસની 61 મુદત દરમિયાન હાજર રહ્યો નથી. કોર્ટમાં ગેરહાજર રહેવા બદલ તેની સામે ઘણીવાર વોરન્ટ પણ કાઢવામાં આવ્યા છે. હાર્દિકને જો ગુજરાત બહાર જવાની મંજૂરી આપવામાં આવશે તો નિયમોનું પાલન કરશે નહિ. હાર્દિક પટેલ (Hardik Patel) સામે રાજદ્રોહ સહિત કુલ 36 અલગ અલગ ગુના દાખલ છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે 2015 GMDC ગ્રાઉન્ડમાં જાહેર કાર્યક્રમ બાદ અચાનક હિંસા ફાટી નીકળી હતી અને હાર્દિક સહિત કેટલાક લોકો પર સરકાર દ્વારા રાજદ્રોહનો કેસ લાદવામાં આવ્યો હતો.

(6:36 pm IST)