Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

ગુનો નોંધીને ફીટ કરવાનો દમ મારવામાં આવે છે

પોલીસ માટે અરજી એટલે તોડપાણીનું સાધન પાંચ હજારથી એક લાખ સુધી પડાવાય છે

અરજીની તપાસના બહાને લોકોને નિવેદનના બહાને બોલાવીને રોકડી કરવી તે પોલીસ ચોકીના સ્ટાફની મોડ્સ ઓપરેન્ડી બની ચૂકી છે

અમદાવાદ,તા.૬: અમદાવાદની લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા નવા વાડજ ચોકીના હેડ કોન્સ્ટેબલને અરજીની તપાસમાં ફરિયાદીનું નામ રદ કરવાનું અને હેરાન નહી કરવાના બદલામાં  ફરિયાદી પાસેથી રૂપિયા ૮૦ હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપી લેવામાં આવ્યો હતો. જેના એક સપ્તાહ પહેલાં ખાડીયા પોલીસના કોન્સ્ટેબલને પણ અરજીની તપાસમાં નાણાં લેતો ઝડપી લેવાયો હતો. જો કે, માત્ર બે કેસમાં એસીબીએ ફરિયાદને આધારે છટકું ગોઠવ્યુ હતું.

બાકી પોલીસ સ્ટેશનમાં આવતી આવતી અરજી એટલે પોલીસનું તોડપાણીનું સાધન બની ગયુ છે અને પોલીસ સ્ટેશનના તાબામાં આવતી પોલીસ ચોકી એટલે અરજીના નામ તોડ બાજી કરવાનું કેન્દ્ર  બની ગયું છે. જેમાં અરજીમાં કરેલા આક્ષેપોને આધારે રૂપિયા પાંચ હજારથી માંડીને એક લાખ સુધી ધમકાવીને કે કાયદાનો ડર બતાવીને ઉઘરાવવામાં આવે છે. તેમ અમદાવાદના એક અખબારનો અહેવાલ જણાવે છે.

અમદાવાદ શહેરમાં  ૫૦ જેટલા  પોલીસ સ્ટેશનો આવેલા છે અને તે ઉપરાંત, ક્રાઇમ બ્રાંચ સહિતની અન્ય એજન્સીઓ પણ આવેલી છે. તો ગ્રામ્યમાં પણ  ૧૫ થી વધારે પોલીસ સ્ટેશન અને એજન્સીઓ આવેલી છે. જયાં પ્રતિદિન વિવિધ ગુનાઓ નોંધવામાં આવે છે. આ પોલીસ મથકોમાં પ્રતિદિન અનેક અરજીઓ પણ આવતી હોય છે.

જેની તપાસ જે તે પોલીસ સ્ટેશનના તાબામાં આવતી પોલીસ ચોકીના ઇન્ચાર્જને સોંપવામાં આવે છે.  જે તપાસમાં પોલીસ અરજીમાં થયેલા આક્ષેપ સંદર્ભમાં અરજી કરનારનું તેમજ  જેમના વિરૂધ્ધ અરજી  થઇ હોય તેમનું નિવેદન નોંધે છે. બાદમાં પુરાવા અને અન્ય  બાબતોની તપાસ બાદ જરૂર જણાય તો   પોલીસ ફરિયાદ નોંધવામાં આવે છે.

પરંતુ, મોટા ભાગની અરજીમાં માત્ર નિવેદન નોંધીને અરજીને દફતરે કરવાની હોય છે.  કારણ કે  મોટાભાગની અરજીઓ પાડોશીઓ વચ્ચેની તકરાર, સામાન્ય પારિવારિક માથાકુટ ને લગતી હોય છે. જયારે કેટલીક અરજીમાં સામે વાળી વ્યકિત વિરૂધ્ધ દારૂ પીને ધમાલ કરવાના, ગેર કાયદેસર રીતે ધંધા કરવાના કે અન્ય આક્ષેપો હોય છે.  

આવામાં અરજીની તપાસ યોગ્ય રીતે થાય તે નિવેદન લેવા જરૂરી હોય છે. પરંતુ, કડવી હકીકત એ છે કે પોલીસ સ્ટેશનમાં કરવામાં આવતી  મોટાભાગની અરજીમાં નિવેદનના નામે બોલાવીને દમ મારીને કે ફરિયાદ દાખલ કરવાની ધમકી આપીને તોડપાણી કરવામાં આવે છે. સૌથી ચોકાવનારી બાબત એ છે કે  અરજીમાં થયેલા આક્ષેપો પ્રમાણે ભાવ પણ નક્કી કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત, અરજી  કયાં વિસ્તારમાં અને કોની  વિરૂધ્ધમાં થઇ છે.? તે સંદર્ભમાં ભાવ બદલાતા રહે છે. સામાન્ય  બોલાચાલીની ઘટનામાં  સામે વાળી વ્યકિતને નિવેદન માટે  બોલાવીને તેના વિરૂધ્ધ ધાક ધમકીની ફરિયાદ નોંધાઇ શકે છે તેમ કહીને નિવેદન નોંધીને અરજી  દફતરે કરવા માટે ઓછામા પાંચ હજારની રોકડી કરવામાં આવે છે.

જેમાં  અરજી  બે કે તેથી વધારે વ્યકિતઓ વિરૂધ્ધ થઇ હોય તો  એક સાથે રકમ નક્કી કરવામાં આવે છે. જો  દારૂ પીને ધમાલ કરવાનો આક્ષેપ હોય અને પોલીસ પાસે સામાન્ય પુરાવા પણ હોય તો ફરિયાદ નહી નોંધવા માટે રૂપિયા ૫૦  હજાર તો ઓછામાં ઓછા માંગવામાં આવે છે.

જયારે અનૈતિક ધંધાની કે અન્ય ગંભીર બાબતોની અરજીમાં એક લાખ  તો સામાન્ય  રીતે લેવામાં આવે છે.   આ તમામ તોડપાણી  કરવા માટે પોલીસ ચોકી જ  મુખ્ય સેન્ટર રહે છે.  એવુ નથી કે  પોલીસ ચોકીમાં થતી અરજીમાં માત્ર નિવેદન નોંધવતા સ્ટાફને રસ હોય છે પણ અરજીમાં થતા તોડની રકમ વિવિધ ભાગોમાં વહેંચણી કરવામાં આવે છે.

જેમાં પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓથી માંડીને નિવેદન નોંધતા સ્ટાફને તે રકમ આપી દેવામાં આવે છે. તો કોઇ સંવેદનશીલ કે ગંભીર બાબતની અરજીની તપાસમાં ઘણા કિસ્સામાં  મુખ્ય પોલીસ અધિકારી પોલીસ ચોકીમાં આપવાને બદલે પોતાના સ્ટાફ પાસે રાખે છે અને તે સ્તરે ઘણીવાર મોટા વહીવટ થતા હોય છે.

જો કે  અરજીનો જવાબ નોંધાવવા માટે આવતા  વ્યકિતને નિવેદન નોંધતા પહેલા એવો ડર બતાવવામાં આવે છે કે તે  પોતાના વિરૂધ્ધ ફરિયાદ દાખલ થવાના ડરથી જ  પોલીસ માંગે તે નાણાં આપીને મુસીબતમાંથી મુકત થવા ઇચ્છતો હોય છે. જેથી તે મોટાભાગના કિસ્સામાં એસીબીમાં જાણ કરતો નથી. જેના કારણે  પોલીસને અરજીના નામે તોડ કરવાનું મોકળુ મેદાન મળી રહે છે.

પોલીસ સ્ટેશનના તાબામાં આવતી પોલીસ ચોકીઓમાં અરજીના તપાસના નામે રોકડી કરવાનું પધ્ધતિસરનું નેટવર્ક ચાલે છે. જેમાં ડરીને પોલીસને નાણાં આપવા કરતા જાગૃત થઇને એસીબીમાં ફરિયાદ કરવામાં આવે તે જરૂરી છે. જો કે, લોકોને ડર હોય છે કે એસીબીમાં ફરિયાદ બાદ ભવિષ્યમાં ફરિયાદીને હેરાન કરવામાં આવી શકે છે. પરંતુ, એસીબીના અધિકારીઓ ખાતરી આપે છે કે  જે કેસમાં લાંચ માંગવામાં આવી હોય અને તેની સફળ ટ્રેપ થઇ હોય તેમાં ફરિયાદીને  કાયદાકીય કે અંગત રીતે કોઇ પણ   પ્રકારની  પરેશાની થવા દેવામાં આવતી નથી.

(10:10 am IST)