Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

નરેશ પટેલ કેસરિયા કરશે કે પંજાનો હાથ ઝાલશે ? ચર્ચાનું ચકડોળ ચાલ્યું

પાટીદાર અગ્રણી અને ખોડલધામના પ્રણેતાએ રાજકારણમાં આવવાના સંકેત આપ્યા બાદ આવ્યો રાજકીય ગરમાવોઃ ભાજપ-કોંગ્રેસ બન્ને તેમને પોતાની તરફ લાવવાની તૈયારીમાં : શું નરેશ પટેલ નજીકના જ ભવિષ્યમાં પીએમ સાથેની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાશે ? રાહુલ સાથે પણ બેઠક થયાનો દાવોઃ કોંગ્રેસના એક રાષ્ટ્રીય નેતા મધ્યસ્થીની ભૂમિકામાં: ફરી ચાલ્યો અટકળોનો દોર

રાજકોટ, તા. ૬ :. ગુજરાતના રાજકારણમાં પાટીદારોનું અનેરૂ મહત્વ રહ્યુ છે એટલુ જ નહિ છેલ્લા ઘણા સમયથી ખોડલધામ અને તેના પ્રણેતાઓ કયા પક્ષ તરફ ઢળશે ? તે બાબતને લઈને અટકળોની આંધી ફુંકાઈ રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીકના ભવિષ્યમાં યોજાવાની હોવાથી સૌથી મોટી વોટબેંક એવી પાટીદારોના મત કબ્જે કરવા ભાજપ અને કોંગ્રેસ બન્નેએ અત્યારથી કવાયત શરૂ કરી દીધી છે ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાટીદાર અગ્રણીઓ સાથે એક બેઠક યોજી છે તે પૂર્વે ફરી અટકળોનો દોર શરૂ થયો છે કે ખોડલધામના પ્રણેતા અને પાટીદાર અગ્રણી નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે નહિ ? અને જો જોડાશે તો ભાજપ સાથે હાથ મિલાવશે કે પછી કોંગ્રેસ સાથે ?

અત્રે નોંધનીય છે કે આજે જ ખોડલધામના પ્રણેતા એવા નરેશ પટેલે એક એવુ નિવેદન આપ્યુ છે કે જો મને સમાજ આદેશ આપશે તો મારે રાજકારણમાં આવવા વિચારવુ પડશે. દરમિયાન એવુ જાણ વા મળે છે કે તેઓ આજે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળી રહ્યા છે ત્યારે ભાજપ સાથે સંકળાયેલા ટોચના વર્તુળોએ અકિલાને એવો નિર્દેશ આપ્યો છે કે આગામી ૯ કે ૧૦મી ડીસેમ્બરે પીએમ મોદી સાથેની વર્ચ્યુલ ઉપસ્થિતિમાં નરેશભાઈ પટેલ ભાજપમાં જોડાવાની જોરશોરથી તૈયારી કરી રહ્યા છે. જો કે આ અંગે તપાસ કરતા કોઈ સત્તાવાર સમર્થન મળતુ નથી.

તો બીજી તરફ કોંગ્રેસના એવા જ એક વગદાર નેતાએ આજે અકિલાને એવુ જણાવ્યુ હતુ કે, રાહુલ ગાંધી સાથે નરેશભાઈ પટેલે બેઠક કરી લીધી છે અને કોંગ્રેસના એક ટોચના નેતા મધ્યસ્થી કરી રહ્યા છે અને તેઓ નરેશભાઈ પટેલના સંપર્કમાં છે. આ વર્તુળોએ એવો દાવો કર્યો છે કે નરેશભાઈ પટેલ સંભવતઃ ૨૦૨૨ની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને સમર્થન આપશે અથવા તો તેઓ કોંગ્રેસમાં જોડાઈ જશે.

કોંગ્રેસના વર્તુળો એવુ માને છે કે ગુજરાતમાં જે રીતે લેઉવા પટેલ અગ્રણીઓની બાદબાકી કરવામાં આવી રહી છે તે જોતા આગામી ચૂંટણીમાં તેનોે કોંગ્રેસને મોટો લાભ મળશે તે નક્કી છે. આ સંજોગોમાં તેમનુ શું વલણ રહેશે ? તે તરફ સૌની મીટ મંડાઈ છે.

જો કે આ બધા અહેવાલો બન્ને વર્તુળોમાં ચર્ચાઈ રહ્યા છે. હકીકત તો એ છે કે નરેશભાઈ પોતે આ અંગે કોઈ જાહેરાત કરે ત્યારે જ સાચી વાત બહાર આવશે.

અત્રે એ નોંધનીય છે કે તાજેતરમાં કોંગ્રેસના જ એક રાષ્ટ્રીય નેતાના નિર્દેશથી ભરતસિંહ સોલંકી નરેશભાઈ પટેલને મળ્યા હતા.

આજે પાટીદારોની બેઠક પૂર્વે ભાજપ અને કોંગ્રેસમાં રાજકીય ગરમાવો આવ્યો છે. અત્રે એ પણ નોંધનીય છે કે ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલ રાજકોટ આવ્યા ત્યારે તેઓ પણ ખોડલધામના પ્રણેતાને મળ્યા હતા. એક વાત નક્કી છે કે ટૂંક સમયમાં નવા ધડાકા-ભડાકા થવાના છે.

(3:30 pm IST)