Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

80 વર્ષીય તીરથભાઇ ખત્રી વેન્‍ટીલેટર પર હોવા છતાં એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા ડીસામાં મતદાન મથકે જઇ મતદાનની નૈતિક ફરજ અદા કરી

તીરથભાઇ ખત્રીએ મતદાન કરવાની જીદ કરતા પરિવારજનોએ એમ્‍બ્‍યુલન્‍સની વ્‍યવસ્‍થા કરી

બનાસકાંઠાઃ ડીસામાં વેન્‍ટીલેટર પર રહેલા દર્દી તીરથભાઇ ખત્રીએ મતદાન કર્યુ હતુ. દર્દીએ મતદાનની જીદ કરતા પરિવારજનોએ એમ્‍બ્‍યુલન્‍સની વ્‍યવસ્‍થા કરી હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આજે સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. 1 વાગ્યા સુધીમાં ઉત્તર ગુજરાતમાં 36.81 ટકા મતદાન થયું છે. પરંતુ મતદાનના બીજા તબક્કામાં અનેક એવી ઘટનાઓ સામે આવી છે, જેણે જાણીને નવાઈ લાગે. અનેક લોકો જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે, તેમ છતાં લોકશાહીમાં મતદાન કરીને પોતાની ફરજ બજાવી છે અને બીજા લોકોને જાગૃત કર્યા છે.

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં વેન્ટિલેટર ઉપર રહેલા દર્દીએ મતદાન કરીને અનોખું ઉદાહરણ પુરું પાડ્યું છે. વેન્ટિલેટર ઉપર રહેલા 80 વર્ષીય દર્દી તીરથભાઈ ખત્રીએ મતદાન કરવાની જીદ કરતા તેમને એમ્બ્યુલન્સમાં મતદાન કેન્દ્ર ઉપર લવાયા હતા. જ્યાં વેન્ટિલેટર ઉપર રહેલા દર્દીએ મતદાન કરી અનોખી મિશાલ પુરી પાડી. 

આ કિસ્સામાં દર્દી છેલ્લા ઘણા સમયથી હોમ આઇસોલેશનમાં વેન્ટિલેટર પર હતા, છતાં મતદાન કરવાની ઇચ્છા દર્શાવતાં પરિવારે એમ્બ્યુલન્સ મતદાન મથકે લઈ જઈ મતદાન કરાવ્યું હતું.

અન્ય એક કિસ્સામાં પાટણમાં મતદાન કરવા જતાં વૃદ્ધા રેલિંગ પરથી નીચે પટકાઈ ગયાં હતાં. જોકે સુરક્ષા કર્મચારીઓએ તેમને તરત ઊભાં કર્યા હતા. વૃદ્ધાને ગંભીર ઇજાઓ પહોંચી હોવા છતાં તેમણે મતદાન કર્યું હતું. ત્યાર બાદ 108 બોલાવીને તેમને સારવાર અર્થે ખસેડાયા હતા.

(5:33 pm IST)