Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

અમદાવાદમાં જુહાપુરામાં પ્રેમ લગ્નની અદાવતમાં ફાયરિંગ:પોલીસે કુખ્યાત આરોપીની કરી ધરપકડ 

વોરા અને સૈયદ પરિવાર વચ્ચે એક વર્ષથી હતી તકરાર :કુખ્યાત આરોપી નઝીર વોરા વિરુદ્ધ 30થી વધુ ગુના :પકડાયેલા અન્ય આરોપીઓ પણ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે

અમદાવાદના જુહાપુરામાં કુખ્યાત નજીર વોરા અને તેના પુત્ર પર ફાયરિંગની ઘટના બની છે, જેમાં પ્રેમ લગ્નની અદાવતમાં ફાયરિંગ થયુ હોવાનું ખૂલ્યુ છે. વેજલપુર પોલીસે બંને પક્ષ વિરુદ્ધ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. સમગ્ર ઘટનામાં પોલીસે કુખ્યાત આરોપી નઝીર વોરા અને તેના પુત્ર હમઝા વોરાની ધરપકડ છે. જ્યારે બીજા પક્ષમાં આરોપી ફૈઝાન ઉર્ફે ટેબુ સૈયદ, મયુદ્દીન સૈયદ અને વાહીદ ઉર્ફે બાબા સૈયદ છે.

પ્રેમ લગ્નના વિવાદમાં આ બંને પક્ષ વચ્ચે અદાવત ચાલે છે. સોમવારે રાત્રે ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ સોનલ સિનેમા નજીક આરોપી વાહીદ સૈયદ અને હમઝા વોરા વચ્ચે આ અદાવતમાં બોલાચાલી થઈ હતી. બોલાચાલી ઉગ્ર થતા બંને મારામારી પર ઉતરી આવ્યા, જેમાં કુખ્યાત આરોપી નઝીર વોરા તલવાર લઈને મારવા આવ્યો હતો. ત્યારે સામા પક્ષના આરોપી વાહીદે ફાયરિંગ કર્યુ હતુ. આ સમગ્ર ઘટનાને લઈને વેજલપુર પોલીસે બંને પક્ષની ફરિયાદ લઈને તપાસ શરૂ કરી છે.

 

ફાયરિંગ કેસની તપાસમાં ખુલાસો થયો કે નઝીર વોરાની ભાણીએ સૈયદ પરિવારના યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. નઝીર વોરાના પુત્ર હમઝા સાથે આ યુવતીના લગ્ન નક્કી થયા હતા. પરંતુ યુવતીએ પ્રેમી સાથે લગ્ન કરી લેતા વોરા પરિવાર અને સૈયદ પરિવાર વચ્ચે છેલ્લા એક વર્ષથી તકરાર ચાલતી હતી. જેની અદાવતમાં બન્ને એકબીજા પર હુમલો કર્યો. વેજલપુર પોલીસ સ્ટેશને બન્ને પક્ષોએ ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને બન્ને પક્ષના 5 આરોપીની ધરપકડ કરીને ફાયરિંગ કરવામાં ઉપયોગ લીધેલ હથિયાર જપ્ત કર્યું હતુ.

  કુખ્યાત આરોપી નઝીર વોરા વિરુદ્ધ 30થી વધુ ગુના નોંધાયા છે. પકડાયેલા અન્ય આરોપીઓ પણ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. હાલમાં વેજલપુર પોલીસે આરોપીઓની ધરપકડ કરીને તેમને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને લઈને વેજલપુર પોલીસે ત્વરિત ઘટના સ્થળે પહોંચીને પાંચેય આરોપીઓની ધરપકડ કરી છે અને આર્મ્સ એક્ટ, હત્યાના પ્રયાસ સહિતની કલમો તેમજ મારામારીની કલમો હેઠળ બંને પક્ષે ફરિયાદ દાખલ કરી આરોપીઓની ધરપકડ કરી છે.

  આ મામલે પોલીસે ફાયરિંગ માટે વપરાયેલા હથિયાર અને હુમલામાં વપરાયેલ તલવાર કબ્જે કરી છે. પકડાયેલા આરોપી નજીર વોરા સામે અગાઉ 30થી વધુ ગુનાઓ નોંધાયેલા છે અને સામે પક્ષે પકડાયેલા આરોપીઓ સામે પણ અગાઉ અનેક ગુનામાં સામેલ હોવાથી આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને પોલીસે રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી છે.

(11:02 pm IST)