Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

વલસાડ શહેરની સુવિધા માટે સતત તત્‍પરતા દાખવી રહેલા જિલ્લા કલેકટર આર.આર.રાવલ

માત્ર ભૌતિક વિકાસ નહીં પણ ભૌતિક અને માનવીય બંને રીતે વિકાસ થાય એવા પ્રયાસો

( કાર્તિક બાવીસી દ્વારા ) વલસાડ: વલસાડ શહેર અને જિલ્લાના નાગરિકોની સુખાકારી અને સુવિધા વધે એ માટે જિલ્લા કલેકટર આર.આર.રાવલ સતત તત્‍પરતા દાખવી રહ્યા છે. વલસાડ શહેર અને જિલ્લાનો માત્ર ભૌતિક વિકાસ નહીં પણ ભૌતિક અને માનવીય બંને રીતે વિકાસ થાય એવા સ્‍તુત્‍ય પ્રયાસો આર.આર.રાવલની દોરવણી અને માર્ગદર્શન નીચે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
વલસાડ શહેરમાં થોડા સમય પહેલાં જ લોકોની હાડમારી ઓછી થાય, ટ્રાફિક નિયમન જળવાય અને પાર્કિંગ સુવિધા ઉપલબ્‍ધ બને એ માટે નગરપાલિકા તંત્રને સંપૂર્ણ માર્ગદર્શન અને મદદ પુરી પાડીને જિલ્લા કલેકટરશ્રી રાવલ દ્વારા મોટા પાયે દબાણો નેસ્‍ત નાબુદ કરી રસ્‍તા પહોળા કરાયા છે. પાર્કિંગ પ્‍લોટ ખુલ્લા કરવા તથા કલ્‍યાણ બાગ જેવી સુવિધાઓ પણ લોકોને પુરી પાડવાનું સુંદર કામ વલસાડ નગરપાલિકા દ્વારા કરવામાં આવ્‍યું છે. આવનારા દિવસોમાં વલસાડ શહેરના પ્રવેશદ્વાર જેવા ધરમપુર-અબ્રામા-વલસાડ રોડને ખૂબ જ રમણીય અને સુવિધાસભર બનાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહયું છે. આ રસ્‍તા ઉપર સાઈકલ ટે્રક, વોકીંગ ટ્રેક, સીનીયર સીટીઝનોના બેસવાની બેન્‍ચિસ તથા ડેકોરેટીવ પ્‍લાન્‍ટેશનની સુવિધા સાથે વલસાડ શહેરના નજરાણા જેવો રોડ તૈયાર થઈ રહયો છે. સાથે સાથે સુષુપ્‍ત અવસ્‍થામાં પડેલા વલસાડની શોભા સમાન તિથલ રોડને પણ ૩૧ માર્ચ-ર૦ર૧ સુધીમાં લોકોને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે એ રીતે ગુણવત્તાયુકત રીતે સમય મર્યાદામાં પૂર્ણ કરી ખૂલ્લો મૂકવા માર્ગ અને મકાન વિભાગને સખત સૂચના આપવામાં આવી છે.
આ તમામ પ્રોજેકટો સમય મર્યાદામાં, સારી રીતે અને સુવિધાયુકત વ્‍યવસ્‍થા સાથે તૈયાર થાય અને વલસાડ શહેરના પ્રજાજનોની વ્‍યથા નિવારી શકાય એ માટે જિલ્લા કલેકટરશ્રી આર.આર.રાવલ અંગત લક્ષ આપી અવાર-નવાર આ કામગીરીનું સ્‍થળ નિરીક્ષણ અને સમીક્ષા હાથ ધરી રહયા છે.
વિશેષમાં વલસાડ શહેરના લોકોને બસ સ્‍ટેશન અને રેલવે સ્‍ટેશન જવામાં ટ્રાફિક અને ગીચતાનો સામનો કરવો પડે છે. એ સ્‍થિતિને લક્ષમાં લઈ જિલ્લા કલેકટરશ્રી આર.આર.રાવલ દ્વારા આજે વલસાડ રેલવે ઓથોરિટીના મનેજરશ્રી, પ્રાંત અધિકારીશ્રી, કાર્યપાલક ઈજનેરશ્રી માર્ગ અને મકાન વિભાગ, ચીફ ઓફિસરશ્રી, વલસાડ નગર પાલિકા અને ટ્રાફિક પી.આઈ.ને સાથે રાખી બસ સ્‍ટેશન, રેલવે સ્‍ટેશન, કલ્‍યાણ બાગના તમામ વિસ્‍તારોની મુલાકાત લીધા બાદ જિલ્લા પોલીસ અધિકક્ષશ્રીની કચેરીથી સામેથી સીધો જ રેલવે સ્‍ટેશન જવાનો એક રસ્‍તો તૈયાર કરવા સબંધિતોને સ્‍થળ ઉપર જ જિલ્લા કલેકટરશ્રી રાવલ દ્વારા સૂચના આપી છે. આ રસ્‍તો તૈયાર થશે તો કલ્‍યાણ બાગથી રેલવે સ્‍ટેશન જવાનો રસ્‍તો એક માર્ગીય બની રહેશે. જેના કારણે આવાગમનમાં લોકોને આવનારા દિવસોમાં ખૂબ જ સરળતા થશે.
જિલ્લા કલેકટરશ્રી આર.આર.રાવલ દ્વારા કસ્‍તુરબા હોસ્‍પિટલથી રામવાડી તરફ ટી.પી. રોડને ખુલ્લો કરાવી આ દબાણો દૂર થાય જરૂર પડયે દબાણકર્તાઓને વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા આપી કાયદેસરની પ્રકિયા પૂર્ણ કરી આ રસ્‍તો પણ સત્‍વરે ખુલ્લો કરવા ચીફ ઓફિસરશ્રી વલસાડને તાકીદ કરી છે.

(9:18 pm IST)