Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

સરકારી યોજનાઓનો મહતમ લાભ લોકો સુધી પહોંચાડવા ભાજપના મોરચાઓને જવાબદારી

કમલમમાં મોરચાઓના મોભીઓની બેઠક મળી : કાર્ય યોજના પર ભાર

ગાંધીનગરમાં ભાજપના વિવિધ મોરચાઓના અગ્રણીઓની બેઠક પ્રસંગે મંચ પર સી.આર.પાટીલ, ભીખુભાઇ દલસાણિયા, આઇ.કે. જાડેજા, ભરતસિંહ પરમાર વગેરે ઉપસ્થિત રહેલ તે પ્રસંગની તસ્વીર.

રાજકોટ,તા. ૭: ભાજપા પ્રદેશ પ્રવકતા ડો. ભરત ડાંગરે જણાવ્યું હતું કે, ભાજપા પ્રદેશ કાર્યાલય કમલમ, ગાંધીનગર ખાતે પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં ભાજપાના વિવિધ મોરચાઓની પ્રદેશ બેઠકો યોજાઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતની ભાજપ સરકાર દ્વારા સમાજના દરેક વર્ગ, દરેક ઉંમર અને દરેક ક્ષેત્રના લોકો માટે અનેક જનકલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. આ યોજનાઓનો લાભ વધુને વધુ લોકો સુધી પહોંચે તે માટે ભાજપાના વિવિધ મોરચાઓ જેમ કે, મહિલા મોરચો, કિસાન મોરચો, અનુસૂચિત જાતિ મોરચો, અનુસૂચિત જનજાતિ મોરચો, યુવા મોરચો, લઘુમતી મોરચો તથા બક્ષીપંચ મોરચાના આગેવાનો તથા કાર્યકરો પોતપોતાના વિસ્તારમાં કાર્ય યોજના બનાવીને વધુ અસરકારક રીતે આગામી દિવસોમાં કાર્ય કરશે તે પ્રકારનું આયોજન આ બેઠકોમાં કરવામાં આવ્યું હતું.

શ્રી ડાંગરે જણાવ્યું હતુ કે, ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી. આર. પાટીલની પ્રેરણા તેમજ માર્ગદર્શન હેઠળ હાલ ભાજપા દ્વારા સમગ્ર ગુજરાતમાં પેજ સમિતિની રચનાનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે ભાજપાના મોરચાઓ પણ જુદા-જુદા સમાજના આગેવાનો તથા વધુને વધુ કાર્યકરોને પેજ સમિતિમાં જોડે અને ભાજપા સંગઠનને વધુને વધુ મજબૂત બનાવી લોક કલ્યાણકારી કાર્યોમાં ઉપયોગી બને તે માટે પણ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું.

પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાએ ઉપસ્થિત મોરચાના સૌ આગેવાનો તથા કાર્યકરોને આગામી સ્થાનિક સ્વરાજય સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે સંગઠનાત્મક માર્ગદર્શન આપ્યું હતું.

આજની આ બેઠકમાં પ્રદેશ મહામંત્રીશ્રીઓ ભરતસિંહ પરમાર, કે. સી. પટેલ, શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ અને પ્રદેશ ઉપપ્રમુખો  આઈ. કે. જાડેજા, ભાર્ગવભાઈ ભટ્ટ, પ્રદેશ પ્રવકતા મહેશભાઈ કસવાલા, રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રી રજનીભાઈ પટેલ તથા વિવિધ મોરચાના પ્રદેશ અધ્યક્ષશ્રીઓ, મહામંત્રીઓ તેમજ જીલ્લા/મહાનગરના મોરચાના પ્રભારીઓ અને પ્રમુખશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:38 am IST)