Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૩૮% શહેરી, ૬૨% ગ્રામીણ મતદારો

૬ મહાનગરો, ૮૧ નગરો, ૩૧ જિલ્લા પંચાયતો અને ૨૩૧ તાલુકા પંચાયતોનો જનાદેશ સમગ્ર રાજ્યનો જનમિજાજ દર્શાવશે : મુખ્ય સ્પર્ધા ભાજપ - કોંગ્રેસ વચ્ચે : શહેરો અને ગામડાઓમાં સ્થાનિક મુદ્દા અસરકર્તા પણ સમગ્ર 'માહોલ' પ્રભાવક : મત આપનારા અને કાપનારાનું પ્રભુત્વ

રાજકોટ તા. ૭ : સમગ્ર રાજ્યમાં આવતા મહિને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે. જેમાં શહેરી અને ગ્રામીણ બન્ને ક્ષેત્રના મતદારોની મોટી સંખ્યા છે. શહેરી મતદારો કરતા ગ્રામ્ય વિસ્તારના મતદારોની સંખ્યા દોઢ ગણીથી વધુ છે. સ્થાનિક ચૂંટણીઓમાં જે તે વિસ્તારના મુદ્દા અસરકર્તા હોય છે. ઉમેદવારની તાકાત પણ અગત્યની છે. સમગ્ર રાજ્યનો ચૂંટણી વખતનો જે માહોલ હોય તે વિશેષ પ્રભાવક બને છે.

તાલુકા - જિલ્લા પંચાયતના મતદારોએ બબ્બે મત આપવાના હોય છે. ખેડા અને બનાસકાંઠા સિવાઇ તમામ ૩૧ જિલ્લા પંચાયતોમાં મુદત પુરી થતા ચૂંટણી આવી રહી છે. ૨૩૧ તાલુકા પંચાયતોમાં ચૂંટણી છે. ગાંધીનગર અને જુનાગઢ સિવાઇ ૬ મહાનગરપાલિકાઓમાં ચૂંટણી છે. ૫૫ નગરપાલિકાઓમાં મુદ્દત પૂરી થઇ ગઇ છે અને બીજી ૨૬ નગરપાલિકાઓમાં મુદ્દત પુરી થઇ રહી છે તેની ચૂંટણી પણ સાથે આવી જશે.

ચૂંટણી પંચના અઢી મહિના પહેલાના જાહેરનામા મુજબ કુલ ૪.૪ કરોડ મતદારો પૈકી ૨.૫૦ કરોડ મતદારો તાલુકા - જિલ્લા પંચાયતના છે. તે કુલ મતદારોના ૬૨ ટકા જેટલા થાય છે. ૬ મહાનગરોમાં ૧.૧૧ કરોડ મતદારો છે. ૫૫ નગરપાલિકાઓમાં ૪૨.૭૯ લાખ મતદારો છે. બાકીની ૨૬ નગરપાલિકાઓના મતદારો તેમાં ઉમેરાતા આંકડો વધશે. નવી મતદાર યાદી પ્રસિધ્ધ થયા પછી પણ મતદારોનો આંકડો વધશે. હાલની સ્થિતિએ શહેરી મતદારોની સંખ્યા ૩૮ ટકા જેટલી છે. આ ચૂંટણીનું પરિણામ સમગ્ર ગુજરાતની પ્રજાનો મિજાજ બતાવશે.

(11:39 am IST)