Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

ગુજરાતમાં ૧૦૮માં છેલ્લા ૮ માસમાં ડિસેમ્બરમાં કોરોના માટે ઓછા કોલ

દિવાળી બાદ સંક્રમણમાં આવેલો ઉછાળો હવે ધીમો પડયો : સપ્ટેમ્બર માસમાં સૌથી વધુ ૨૨,૭૪૬ કેસ નોંધાયા હતા જે ક્રમશઃ ઘટીને ડિસેમ્બરમાં ૬,૬૦૪ થયા

અમદાવાદ તા. ૭ ગુજરાતમાં દિવાળી બાદ કોરોના સંક્રમણના કેસ ઘટયા હોવાનો એક આછો - પાતળો અંદાજ ઇમરજન્સી સેવા ૧૦૮ દ્વારા કોરોનાના દર્દીઓને સારવાર અર્થે પહોંચાડવાના આંકડાઓ પરથી આવી રહ્યો છે. રાજ્યમાં ડિસેમ્બર માસમાં કોરોનાના કુલ ૬,૬૦૪ કેસ ઇમરજન્સી સેવા ૧૦૮ દ્વારા હેન્ડલ કરાયા હતા જે આંકડો છેલ્લા ૮ માસમાં સૌથી ઓછો છે. આ જોતા ગુજરાતમાં કોરોના હવે કાબુમાં હોવાનું આપવાનું ચિત્ર જોવા મળી રહ્યું છે.

રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. અમદાવાદમાં દર મહિને સામાન્ય રીતે ૪ હજારથી ૯ હજાર સુધીના કોરોનાના શંકાસ્પદ કેસ ૧૦૮ની ટીમ હેન્ડલ કરતી હોય છે.

અમદાવાદમાં પણ ડિસેમ્બર માસમાં ૨,૮૮૫ કેસ જ આવ્યા હતા. જે કોરોના સંક્રમણના કેસમાં ધરખમ ઘટાડા તરફ આશાનું કિરણ દર્શાવી રહ્યું છે.

૧૦૮ની ટીમના જણાવ્યા મુજબ રાજ્યમાં ૬૨૨ એમ્બ્યુલન્સમાંથી ગત માર્ચ માસથી કોરોનાના દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં પહોંચાડવા માટે કુલ ૧૦૦ એમ્બ્યુલન્સ સ્પેશિયલ કોરોના માટે ડેડિકેટ એમ્બ્યુલન્સમાં ફેરવી દેવાઇ છે.

જેમાં ૪૫૦ જેટલા સ્ટાફને આ ફ્રન્ટલાઇનર વોરિયર્સની કપરી અને માનવતાલક્ષી કામગીરી સોંપાઇ હતી. જે તેઓએ પુરી કરી છે. આ કામગીરી દરમિયાન ૭૦ જેટલા ફ્રન્ટલાઇનર વોરિયર્સ પણ કોરોના સંક્રમીત બની ચૂકયા છે.

૧૦૮ દ્વારા અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોનાના કુલ ૧,૩૧,૩૩૧ જેટલા દર્દીઓને હોસ્પિટલ સારવાર માટે પહોંચાળ્યા હતા.

જેમાંથી ૪૯,૧૬૩ દર્દીઓ એકલા અમદાવાદના હતા. રાજ્યમાં ૫૦ ટકા દર્દીઓ અમદાવાદમાં જોવા મળ્યા હતા. નોંધપાત્ર છે કે હવે કોરોના સંક્રમણના કેસ ઘટતા ૧૦૮ વાનની સંખ્યા ડેડિકેટેડ એમ્બ્યુલન્સની સંખ્યા ઘટાડીને હવે ફકત ૩૫ કરી દેવાઇ છે.

(11:40 am IST)