Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

શું ગુજરાતમાં બર્ડ ફ્લૂની એન્ટ્રી?

તાપીમાં ૨ હજાર દેશી મરઘાના મોત

અમદાવાદ, તા.૭: ભારતમાં દસ્તક દઈ ચૂકેલા નવા વાયરસનું નામ છે H5N1 બર્ડ ફ્લૂથી ઓળખાતો આ વાયરસ ૨૦૦૬થી દેખાવા લાગ્યો હતો. પરંતુ આ શિયાળામાં દેશનાં ૭ રાજયોમાં સંકટ બનીને ઊભરી રહ્યો છે. છેલ્લા ૧૦ દિવસમાં વિવિધ રાજયોમાં ૫ લાખ જેટલાં પક્ષીઓનાં આ વાયરસથી મૃત્યુ થઈ ચૂકયાં છે. ગુજરાતમાં પણ ૫૩ પક્ષીઓના મૃત્યુ થયાં છે. જો કે તેમનામાં બર્ડ ફલૂનાં લક્ષણોની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. પરંતુ દેશમાં વધતા જતા કેસ પર નજર રાખવા કેન્દ્ર સરકારે દિલ્હીમાં કન્ટ્રોલ રૂમ શરૂ કર્યો છે. આ કંટ્રોલ રૂમ રાજયોના કંટ્રોલ રૂમ સાથે સંપર્કમાં રહેશે. ત્યારે આ વચ્ચે ગુજરાતના તાપી જિલ્લામાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં છેલ્લા ૨૦ દિવસમાં ૨ હજાર મરઘાના મોત થયા છે. જોકે, આ મરદ્યાઓમાં પણ બર્ડ ફ્લૂના કોઈ લક્ષણો મળ્યા નથી, જે રાહતના સમાચાર છે.

 

તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં ૨૦ દિવસમાં ૨ હજાર મરદ્યાના મોત થયા છે. જોકે, આ મરઘાના મોત કોઈ પોલટ્રી ફાર્મમાં નથી થતા. લોકો દ્વારા ઘરે ઘરે ઉછેર કરાતા દેશી મરઘાના મોત થયા છે. મરદ્યાના મોત થતા પશુપાલન વિભાગ દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે, હાલ સરવેમાં કોઈ પણ પ્રકારના ગંભીર લક્ષણ કે બિમારી મરઘામાં મળી આવી નથી.

(12:54 pm IST)