Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

શાળાઓ શરૂ ન કરો, ધો.૧ થી ૮ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપો

બાળકોને શાળાએ મોકલવા હિતાવહ નથી, વાલીઓ ઉપર દબાણ લાવી ફી ઉઘરાવી : શાળાઓ શરૂ કરવા મામલે વાલીમંડળનો સખત વિરોધ કરતાં કહ્યું આ વર્ષ આપણે જીવવા માટેનું છે, ભણવાનું તો આખી જીંદગી રહેશેઃ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને પત્ર લખી રજૂઆત

અમદવાદઃ રાજયમાં મહામારી વચ્ચે સરકારે ૧૧મી જાન્યુઆરીથી શાળાઓ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. પ્રથમ તબકકામાં ધો.૧૦-૧૨ અને પીજી- યુજીના છેલ્લા વર્ષનું શિક્ષણ ચાલુ કરવાનો નિર્ણય લેવાયો છે. બીજી  તરફ માસ પ્રમોશન નહીં આપવામાં એમ પણ શિક્ષણ મંત્રીએ જણાવ્યું છે. ત્યારે હવે આ બાબતે વાલીમંડળ મેદાને આવ્યું છે, વાલીમંડળનું કહેવું છે કે, ફેબ્રુઆરી સુધીમાં શાળાઓ શરૂ ન થવી જોઈએ. આ એક વર્ષ જીવવાનું છે ભણવાનું  આખી જિંદગી રહેશે.

આ અંગે વાલીમંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું કે, હજુ પણ કોવિડ ચાલી જ રહ્યું છે. તેના માટે સરકારે અનેક પગલાં ઊઠાવ્યા છે. મને લાગે છે કે, ફેબ્રુઆરી સુધી શાળાઓ ખોલવાના કોઈ અણસાર દેખાતા નથી. હજુ બાળકોને શાળાએ મોકલવા હિતાવહ નથી. મારી શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રીને વિનંતી છે કે, આ વર્ષ આપણે જીવવા માટેનું છે. ભણવાનું આખી જિંદગી રહેશે.

જયારે વાલીમંડળના પ્રતિનિધિઓએ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને વેકિસનના સફળ પરીક્ષણ બાદ જ સ્કૂલો ખોલવા રજૂઆત કરી છે. પરીક્ષા બાબતે વાલીમંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતું કે, ધો.૯ થી ૧૨ ધોરણની જ પરીક્ષા લેવામાં આવે. ધોરણ ૧ થી ૮માં બાળકોને માસ પ્રમોશન આપવામાં આવે કારણ કે, કેન્દ્ર સરકારની એચઆરડીના મિનિસ્ટ્રી અનુસાર ભારતના ૨૦૦૯ આરટીઈના કાયદા અનુસાર કોઈપણ બાળકને નાપાસ કરવામાં આવતો નથી. અમે મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને પણ પત્ર લખ્યો છે. ધો.૯ થી ૧૨ ધોરણમાં સરકારને જે કરવું હોય તે કરે આ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાવી જોઈએ. તેવું અમે પણ માની છીએ. પણ માત્ર ફી માટે જ શાળાઓને સરકાર સપોર્ટ કરતી હોય ત્યાં અમારા વાલીમંડળનો વિરોધ છે.

અત્યારે ઓનલાઈન માટે બાળકોને દબાણ કરીને જે રીતે ફી લેવામાં આવી છે. હજુ પણ સરકારને કહું છું કે, તમે ધો.૧ થી ૮ના બાળકોને માસ પ્રમોશન આપી દો.

ઉલ્લેખનીય છે કે, અગાઉ રાજય સરકારે નવેમ્બર મહિનામાં શાળાઓ ખોલવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ દિવાળી બાદ કોરોનાનું સંક્રમણ વધતા આ નિર્ણય મોકૂફ કરવામાં આવ્યો હતો. હાલ રાજયમાં કોરોનાના કેસની સંખ્યામાં ઘટાડો થતાં ફરીથી રાજય સરકારે શાળા અને કોલેજ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

(3:18 pm IST)