Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

ધો. ૧૦-૧૨ના વર્ગોમાં કોઇ પ્રશ્ન ન આવે તો આવતા સપ્તાહથી ધો. ૮ - ૯ અને ધો. ૧૧ના વર્ગો શરૂ કરવા વિચારણા

ખાનગી શાળાઓના સંચાલકો ધીરે ધીરે તમામ ધોરણ શરૂ કરવા ઉત્સુક

રાજકોટ તા. ૭ : કોરોના મહામારીમાં ૧૦ માસ બંધ રહેલ શાળા - કોલેજ ફરી ખોલવા રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારની મંત્રી મંડળની બેઠકમાં ધો. ૧૦-૧૨ તેમજ સ્નાતક અને અનુસ્નાતકના છેલ્લા વર્ષનું શૈક્ષણિક કાર્ય ૧૧ જાન્યુઆરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં આવેલ તમામ બોર્ડ સાથે સંકળાયેલ સરકારી, ગ્રાન્ટેડ તેમજ ખાનગી શાળા - કોલેજોને આ નિયમ લાગુ કરાશે. શાળામાં જેટલું શૈક્ષણિક કાર્ય થયું હશે તે મુજબ પરીક્ષા લેવામાં આવશે. વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં નહી આવે તેવી જાહેરાત શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી છે.

ગુજરાત સરકારે શાળાઓ ખોલવા માર્ગદર્શન - નિયમો જાહેર કર્યા છે. શાળાઓમાં વાલીનું સંમતિપત્રક અનિવાર્ય કર્યું છે. વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત, ઓનલાઇન વ્યવસ્થા રાબેતા મુજબ રહેશે.

દરમિયાન શાળાઓમાં ધો. ૧૦-૧૨ના વર્ગો શરૂ કરવાની મંજુરી મળ્યા બાદ ફી પ્રશ્ને ખુબ વિવાદમાં રહેલ ખાનગી શાળા સંચાલકોમાં નોંધપાત્ર ઉત્સાહ છલકાય છે. ઓનલાઇનને બદલે વાસ્તવિક કલાસરૂમનું શિક્ષણ શરૂ થવાના નિર્ણયથી 'ફી' પ્રશ્ન શાંત પડી જશે તેવી ધારણા વચ્ચે જો ધો. ૧૦ - ૧૨માં કોઇ પ્રશ્નો ઉભા ન થાય તો આવતા સપ્તાહથી ધો. ૮-૯ અને ધો. ૧૧ના વર્ગો શરૂ કરવા ખાનગી શાળાના સંચાલકો ઉત્સુક થયા છે.

તાજેતરમાં રાજ્ય સરકારે ખાનગી શાળાઓના છાત્રોને વધુ ફી માફીની વાલીઓ તેમજ છાત્ર સંગઠનોની માંગણીનો કોઇ નિર્ણય કરવાને બદલે ખાનગી શાળાઓના વાહનોને ટેકસમાંથી મુકિત આપતા વાલીઓમાં ગણગણાટ શરૂ થયો છે.

(3:18 pm IST)