Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

ચણા પાકશે ઘણા : 'ટેકા' માટે ફેબ્રુઆરીની તા. ૧થી નોંધણી, ૧૬મીથી ખરીદી

ચણાનું સૌથી વધુ ૭,૯૯,૫૪૧ હેકટરમાં વાવેતર : વિક્રમી ઉત્પાદનનો અંદાજ : તુવેર માટે ૧૫ જાન્યુઆરીથી અને રાયડા માટે ૧ ફેબ્રુઆરીથી ઓનલાઇન નોંધણી : મગફળીની ખરીદી રવિવારે પૂરી થઇ જશે

રાજકોટ, તા., ૭: રાજય સરકારે પુરવઠા  નિગમના માધ્યમથી શરૂ કરેલ ટેકાના ભાવની મગફળી ખરીદી પ્રક્રિયા પુરી થવામાં છે. સરકારે હવે તુવેર, ચણા અને રાયડાની ખરીદીની તૈયારી શરૂ કરી છે. રવિવાર સુધીમાં મગફળી ખરીદીની કામગીરી સમય કરતા એક પખવાડીયુ વહેલી પુરી થઇ જશે.

ટેકાના ભાવે મગફળી વેચવા માટે ૪,૬૯,૯૮૧ ખેડુતોએ નોંધણી કરાવેલ. સરકારે આજ સુધીમાં તમામ ખેડુતોને મગફળી લઇને આવવા માટે મેસેજ કરી દીધા છે. જેમાંથી ચોથા ભાગના ખેડુતો સરકારને મગફળી વેચવા માટે આવ્યા છે. આજ સુધીમાં ૧,૦૬,૬૮૩ ખેડુતોએ મગફળી વેચી છે. ૩પર૭ ખેડુતોની નોંધણી રદ થઇ છે. ૮ર૮૦૧ ખેડુતોને નાણા ચુકવાઇ ગયા છે. બાકીનાને પખવાડીયામાં ચુકવાઇ જશે.મગફળી પેટે રૂ. ૭૮૧ કરોડ નાણા સરકારે ચુકવ્યા છે.૧.૯પ લાખ મેટ્રીક ટન મગફળી ખરીદવામાં આવી છે.

સરકારે હવે પછીની ખેતી ઉપજો ખરીદવા માટે સંભવીત સમયપત્રક તૈયાર કર્યુ છે તે મુજબ તા.૧પ થી ૩૧ જાન્યુઆરી સુધી તુવેર માટે ઓનલાઇન નોંધણી થશે. તા.૧ફેબ્રુઆરીથી તા.૧ મે સુધી ખરીદી થશે. રૂ. પ૧૦૦ લેખે ચણા ખરીદાશે. ચણા માટે તા.૧ થી ૧પ ફેબ્રુઆરી સુધી ખેડુતોની ઓનલાઇન નોંધણી થશે. તા.૧૬ ફેબ્રુઆરીથી ૧૬ મે સુધી ૯૦ દિવસ ખરીદનો સમય રહેશે. ગુજરાતમાં આ વખતે ૭,૯૯,પ૪૧ હેકટરમાં ચણાનું વાવેતર થયું છે.

રાયડા માટે ૧ થી ૧પ ફેબ્રુઆરી નોંધણી અને ૧૬ ફેબ્રુઆરીથી ૧૬ મે સુધી તુવેર ખરીદી થશે. ૬૬૩પ૦ મેટ્રીક ટન તુવેર ખરીદવાનો સરકારનો લક્ષ્યાંક છે. ત્રણેય પાકની ખરીદીનો સતાવાર કાર્યક્રમ  ટુંક સમયમાં જાહેર થશે.

(4:14 pm IST)