Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

સુરતમાં પ્રસંગ જ્‍વેલર્સમાં થયેલ લૂંટનો ભેદ ઉકેલાયોઃ સંદિપ ડુંગરાળીને રૂપિયાની જરૂરત હોવાથી વતનથી તેના મિત્ર વિપુલ ભીંગરાળીયાને બોલાવીને લૂંટને અંજામ આપ્‍યો હતોઃ ભેદ ઉકેલવા માટે સીસીટીવી ફુટેજ, પોકેટ કોપ મોબાઇલની મદદ લેવાઇ

સુરત: સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા પ્રસંગ જ્વેલર્સમાં ત્રણેક દિવસ અગાઉ લૂંટારુંઓ ત્રાટક્યા હતા. લૂંટના ઈરાદે આવેલા બન્ને લૂંટારૂઓએ દાગીના જોતા જોતા દુકાનદાર અને નોકર પર હુમલો કરી નાસી ગયા હતા. ત્યારે સુરત પોલીસે આ મામલે ગુનો નોંધીને ગણતરીના દિવસોમાં જ આરોપીઓને ઝડપી લીધા છે. ઝડપાયેલા બંને આરોપીઓમાં સંદીપ ડુંગરાણીએ રૂપિયાની જરૂર હોવાથી વતનથી તેના મિત્ર નિકુલ ભીંગરાડીયાને બોલાવીને ચોરી કરી હોવાનું ખૂલ્યું છે. બાદમાં બન્ને મિત્રોએ જ્વેલર્સને ત્યાં રેકી કરીને પછી લૂંટને અંજામ આપવાના હતા. જેમાં ચપ્પુથી હુમલો કરીને બંને નાસી ગયા હતા. ક્રાઈમ બ્રાંચે આરોપીઓને ઝડપી લઈને વાહન ચોરી સહિત વધુ એક લૂંટના ગુનાનો પર્દાફાશ કર્યો છે.

  • પોલીસે આરોપીને પકડવા ટીમ બનાવી હતી

કતારગામ પાર્થ કોમ્પ્લેક્સમાં પ્રસંગ જવેલર્સ આવેલો છે. જેમાં ત્રણ દિવસ અગાઉ લૂંટના ઇરાદે બે શખ્સો દુકાનમાં ઘૂસ્યા હતા. બંને લૂંટારુઓએ જ્વેલર્સને ઉપરાછાપરી ચપ્પુના ઘા મારી જીવલેણ ઈજાઓ કરી હતી અને ત્યાંથી નાસી ગયા હતાં. પોલીસે આ ગુનાઓમાં સંડોવાયેલ હોય તેવા આરોપીઓ પર વોચ રાખી પકડી પાડવા અલગ અલગ ટીમો બનાવી હતી. ગુનો શોધી કાઢવા CCTV ફુટેજ, મોબાઈલ સર્વેલન્સ અને પોકેટકોપ મોબાઈલની મદદ લીધી હતી. જેમા બાતમીના આધારે હકીકત આધારે સરથાણા જકાતનાકા નવજીવન રેસ્ટોરન્ટની સામે વી.ટી. સર્કલ પાસે જાહેરરોડ પરથી આરોપી સંદીપ સુરેશભાઇ ડુંગરાણી અને નિકુલ ચકુરભાઇ ભીંગરાડીયા (લેઉવા પટેલ) ને પકડી પાડ્યો છે. બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  • લૂંટ માટે સંદીપે મિત્રને બોલાવ્યો હતો

પોલીસે બંને આરોપીઓ પાસેથી લૂંટમાં વપરાયેલ ચપ્પુ તથા ગુનો આચરવા માટે લાલ દરવાજા પુલ નીચેથી ચોરી કરેલ વગર નંબરની હીરો સ્પેલન્ડર બાઈક જપ્ત કરી છે. ગુનો કર્યા પછી ભાગવા માટે આરોપીએ બીજી બાઈક પણ ચોરી કરી હતી. જેથી પોલીસે GJ-22-6-6135 નંબરની બાઈક તથા 2 મોબાઈલ ફોન મળીને કુલ 70,500નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સાથે જ બંને પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બંને આરોપીઓની પૂછપરછ દરમ્યાન તેઓએ કહ્યું હતું કે, આરોપી સંદીપને રૂપિયાની જરૂરિયાત હોય તેણે કતારગામ ધનમોરા રોડ પર આવેલ પ્રસંગ જવેલર્સમાં સોનાના દાગીનાની લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો. આ માટે તેણે મિત્ર નિકુલની મદદ લીધી હતી. મિત્ર નિકુલને વતનથી સુરત શહેરમાં બોલાવી પોતાના રૂમમાં 15 દિવસ સુધી રાખ્યો હતો. બંને જણાએ મળીને પ્રસંગ જવેલર્સની આશરે બે દિવસ રેકી કરી હતી. બાદમાં લૂંટના ઈરાદે અંદર ગયા હતાં.

  • સુરતમાં બિહારરાજ

જોકે, સુરત શહેર પણ ગુનાખોરીનો અડ્ડો બની ગયો છે. સુરતમાં ગુંડારાજ પ્રસરી રહ્યું છે. તેથી હવે સતત વધી રહેલા ગુનાઓ સુરત પોલીસ માટે ચેલેન્જિંગ બની રહ્યા હતા. ત્યારે હવે નાકે દમ કરનાર આરોપીઓને પકડવા સુરત પોલીસ માટે મહત્વનું બની ગયું છે. નહિ તો સુરતમાં બિહારરાજ થતા વાર નહિ લાગે.

(4:44 pm IST)